દિલ્હીના આઇએસસી બોર્ડના બારમાના કૉર્મસના ૯૯.૫૨ ટકા સ્ટુડન્ટ્સ પાસ ‍

25 July, 2022 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશ અને રાજ્યમાં ત્રીજી આવેલી મુલુંડની ધ્રુવી પંડ્યા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા માગે છે

દેશ-રાજ્યભરમાં થર્ડ આવેલી ધ્રુવી પંડ્યાનું મોં મીઠું કરાવીને શુભેચ્છા આપી રહેલા પેરન્ટ્સ

ધ કાઉન્સિલ ફૉર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (આઇએસસી) દિલ્હી બોર્ડે ગઈ કાલે ધોરણ બારનું કૉમર્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. પરીક્ષામાં બેસેલા કુલ સ્ટુડન્ટ્સમાંથી ૯૯.૫૨ ટકા પાસ થયા હતા. દેશભરમાં ૧૮ સ્ટુડન્ટ્સે ૯૯.૩૮ ટકા સાથે ફર્સ્ટ રૅન્ક મેળવ્યો હતો. બૉય્સની સરખામણીમાં આ પરીક્ષામાં પણ ગર્લ્સે બાજી મારી હતી. ૯૯.૫૨ ટકા ગર્લ્સ તો ૯૯.૨૬ ટકા બૉય પાસ થયા હતા. ૯૯.૫૦ ટકા સાથે દેશભરમાં ૫૮ સ્ટુડન્ટ્સે સેકન્ડ રૅન્ક મેળવ્યો હતો.

આવી જ રીતે દેશભરમાં ૯૯.૨૫ ટકા સાથે કુલ ૭૮ સ્ટુડન્ટ્સ થર્ડ આવ્યા હતા. એમાં મુલુંડમાં રહેતી ધ્રુવી મૌલિક પંડ્યા પણ સામેલ છે. ૪૦૦માંથી તેને ૩૯૭ માર્ક્સ મળ્યા છે. થાણેની જે. કે. સિંઘાણિયા સ્કૂલમાં ભણતી ધ્રુવીએ આટલા સરસ ટકા મળવા બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી અને પપ્પા પણ સ્કૉલર રહી ચૂક્યાં છે એટલે મને તેમનાથી જ ઉચ્ચ શિક્ષણ મેળવવાની પ્રેરણા મળી છે. ઘણા લોકો પરીક્ષા આવવાની હોય ત્યારે દિવસ-રાત ચોપડા લઈને બેસી જતા હોય છે અને ટેન્શનમાં આવી જાય છે. મેં આખું શેડ્યુલ બનાવીને એક-એક વિષયનો અભ્યાસ કર્યો હતો. હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગું છું, જેનો અભ્યાસ ઑલરેડી ચાલુ જ છે.’

દિલ્હી બોર્ડે બેસ્ટ ઑફ ફોરના આધારે રૅન્ક જાહેર કર્યા છે.

mumbai mumbai news 12th exam result