08 April, 2025 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈથી રવિવારે રાતે ઉત્તર પ્રદેશના વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ૮૯ વર્ષનાં સુશીલાદેવી નામનાં મહિલાની તબિયત ખરાબ થયા બાદ તેઓ સીટ પર બેઠાં-બેઠાં જ મૃત્યુ પામ્યાં હતાં. મહિલા પ્રવાસીની તબિયત ખરાબ થયા બાદ ફ્લાઇટનું મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ચિકલથાણા ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સુશીલાદેવીને ફ્લાઇટમાંથી ઉતારીને ઍરપોર્ટમાં લઈ જવાયાં હતાં, જ્યાં ડૉક્ટરોએ તેઓ મૃત્યુ પામ્યાં હોવાનું જાહેર કર્યું હતું. આકાશમાં ઊડી રહેલી ફ્લાઇટમાં અચાનક પ્રવાસીનું મૃત્યુ થતાં આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા લોકો ચોંકી ઊઠ્યા હતા અને થોડા સમય સુધી ફ્લાઇટમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઍરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મૂળ ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં રહેતાં સુશીલાદેવી તેમના એક સંબંધી સાથે મુંબઈથી વારાણસીની ઇન્ડિગો ફ્લાઇટમાં રવિવારે સાંજે પ્રવાસ કરી રહ્યાં હતાં. ફ્લાઇટ રવાના થયાના થોડા સમય બાદ સુશીલાદેવીને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. ફ્લાઇટના ક્રૂ-મેમ્બરોએ સુશીલાદેવીની તબિયત ખરાબ થઈ હોવાની જાણ પાઇલટને કરી હતી. એ પછી ફ્લાઇટને છત્રપતિ સંભાજીનગરમાં ઉતારવામાં આવી હતી.’