22 July, 2024 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈમાં રેસ્ક્યુ કરવામાં આવી રહેલા યુવાનો
નવી મુંબઈના બેલાપુર પાસેની આર્ટિસ્ટ કૉલોનીની પાછળના ભાગમાં આવેલા ડુંગર પરથી તૈયાર થયેલા વૉટરફૉલ પાસે ગઈ કાલે રવિવારની મજા માણવા ગયેલાં ૫૦ યુવક-યુવતીઓ અટવાઈ ગયાં હતાં. સવારના આ યુવાનો ગયા હતા ત્યારે વૉટરફૉલ સુધી જવાના રસ્તામાં પાણી ઓછું હતું, પરંતુ બાદમાં જોરદાર વરસાદ શરૂ થવાને લીધે પાણીનું વહેણ વધી જતાં આ યુવાનો અટવાઈ ગયા હતા. તેમણે કોઈક રીતે પોલીસનો સંપર્ક કરતાં નવી મુંબઈ પોલીસ અને ફાયર-બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે દોરડું બાંધીને રેસ્ક્યુ-ઑપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યુ-ઑપરેશનનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો.
દરમ્યાન, ગઈ કાલે જ પનવેલના નાંદગાવ પાછળના ડુંગર પર કેટલાક લોકો ટ્રેકિંગ માટે ગયા હતા. આમાં મંત્રાલયના કર્મચારીઓ પણ હતા. બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થવાથી આ લોકો ઉપરના ભાગમાં અટવાઈ ગયા હતા. તેમણે પોલીસને જાણ કરતાં સ્થાનિક રહેવાસીઓ અને પનવેલ પોલીસની ટીમે આ લોકોને નીચે ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું હતું.