મહારાષ્ટ્રમાં ૩૫ દિવસમાં TBના ૬૧૦૦+ નવા કેસ નોંધાયા

25 June, 2026 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યનાં ૧૧,૦૯૧ ગામોને TBના હાઈ-રિસ્ક વિસ્તારો તરીકે ઓળખવામાં આવ્યાં હોવાની વિધાનસભામાં ચર્ચા થઇ હતી.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના ૧૦૦ દિવસના TBમુક્ત ભારત અભિયાનના પ્રથમ ૩૫ દિવસની અંદર જ મહારાષ્ટ્રમાં ટ્યુબરક્યુલોસિસ (TB)ના નવા ૬૧૧૧ કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)-બેઝ્ડ મૂલ્યાંકન કરતાં રાજ્યનાં ૧૧,૦૯૧ ગામોને TBના હાઈ-રિસ્ક વિસ્તારો તરીકે ઓળખવામાં આવ્યાં હોવાની વિધાનસભામાં ચર્ચા થઇ હતી.

વિધાનસભામાં રજૂ કરેલા એક લેખિત જવાબમાં પબ્લિક હેલ્થ મિનિસ્ટર પ્રકાશ આબિટકરે સ્વીકાર્યું હતું કે કેન્દ્ર સરકારની AI આધારિત સિસ્ટમ દ્વારા ૧૦૦ દિવસના TBમુક્ત ભારત અભિયાન હેઠળ જે ગામોને હાઈ-રિસ્ક જાહેર કરાયાં છે એમાં નાગપુરનાં ૪૮૨, યવતમાળનાં ૫૩૯, અમરાવતીનાં ૫૦૪, નાશિકનાં ૪૮૮ અને રાયગડનાં ૪૮૮ ગામો મોખરે છે.

પ્રકાશ આબિટકરે સ્પષ્ટતા કરી હતી કે ‘નૅશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ તમામ જિલ્લાઓમાં રિસ્કબેઝ્ડ સ્ક્રીનિંગ, સક્રિય કેસ શોધવાની કામગીરી અને નિક્ષય (Nikshay) પોર્ટલ પર એની નોંધણી નિયમિતપણે કરવામાં આવે છે. રાજ્યનો કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર એવો નથી મળ્યો કે જ્યાં TBનો બોજ અસામાન્ય રીતે વધારે હોય.’

mumbai news mumbai healthy living ministry of health and family welfare tuberculosis