સપના મેરા ટૂટ ગયા

26 January, 2023 12:45 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

મૉડલ બનવા હરિયાણાથી ઘર છોડીને મુંબઈ આવેલી મહિલા ડૉક્ટર રસ્તા પર બેઘર હાલતમાં મળી : ડિપ્રેશનમાં સરી પડેલી આ યુવતીને સામાજિક સંસ્થાએ સારવાર આપી અને તેના પરિવારને શોધીને તેની મુલાકાત કરાવી આપી

કેરોલિનાએ અનેક મૉડલિંગ-સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે આશ્રમમાંથી વિદાય લીધી એ વખતની ભાવુક પળ.

વિદેશ જઈને મેડિકલ ડિગ્રી લેનારી હરિયાણાની એક હાઇલી એજ્યુકેટેડ યુવતી મુંબઈના રસ્તા પર બેહોશ હાલતમાં મળી આવી હતી. મૉડલિંગ માટે ઘર છોડીને મુંબઈ આવ્યા બાદ તેનું સપનું તૂટી ગયું હતું અને તે ડિપ્રેશનમાં સરી પડી હતી. ત્યાર બાદ તે રસ્તા પર ભટકતી હોવાથી શરીરમાં કીડા પડ્યા હતા અને માથામાં ઈજા પણ થઈ હતી. એ પછી પોલીસે તેને આશ્રમમાં મોકલી દીધી હતી. વિરાર-ઈસ્ટમાં આવેલી જીવન આનંદ સંસ્થાએ યુવતીની સારવાર કરી હતી અને તેના પરિવારની શોધ કરીને અંતે તેમની સાથે મુલાકાત કરાવી આપી હતી.

ફિલ્મ જેવી સ્ટોરી
ગોરેગામ પોલીસને ગયા વર્ષે મે મહિનામાં એક યુવતી રસ્તા પર ત્યજી દેવાયેલી અને ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી આવી હતી. ગોરેગામ પોલીસે તેને સારવાર માટે બોરીવલીના ચૌગુલેનગર ખાતે આવેલા આશ્રય નિવારા કેન્દ્રમાં દાખલ કરી હતી, પરંતુ ડિસેમ્બરમાં તે ભાગી ગઈ હતી. ત્યાર બાદ ફરી પોલીસે તેને શોધી કાઢીને તાબામાં લીધી હતી. તેની હાલત એ વખતે અત્યંત ગંભીર હતી. તેના શરીર પર અસંખ્ય ઈજાઓ થઈ હતી. પોલીસે તેને વિરારમાં જીવન આનંદ સંસ્થાના સમર્થ આશ્રમને સોંપી હતી. સંસ્થાના કાર્યકતાઓએ તેની સારવાર શરૂ કરીને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.

આ યુવતીનું નામ કેરિલિના કપૂર છે અને તેની ઉંમર ૪૨ વર્ષની છે. સંસ્થાના કાઉન્સેલરે જ્યારે તેની સાથે વાત કરી ત્યારે તેમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી. વિવિધ માધ્યમો દ્વારા તેના સંબંધીઓની શોધ કરી ત્યારે જાણવા મળ્યું કે તે હરિયાણાના ગુડગાંવથી ગુમ થઈ છે. એથી સંસ્થાએ માહિતી ભેગી કરીને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમની મુલાકાત કરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે કેરિલિના ડૉક્ટર છે અને તેણે વિદેશમાં મેડિકલ શિક્ષણ લીધું હતું. તે સ્થાનિક સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેતી હતી તેમ જ મૉડલિંગમાં કરીઅર બનાવવા માટે મુંબઈ આવી હતી, પરંતુ એમાં નિષ્ફળતા મળતાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જીવન આનંદ સંસ્થાના ટ્રસ્ટી કિસાન ચૌરેએ ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે ‘માનસિક આઘાતને કારણે તે રસ્તાઓ પર ફરતી રહેતી હતી, કારણ કે પરિવારના સભ્યો સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. માનસિક આઘાતને કારણે તે નિરાશ થઈ ગઈ હતી. સંસ્થાએ આ મહિલાની સંભાળ લીધી હતી અને તેને મેડિકલ સારવાર આપીને સ્વસ્થ કરી હતી. ત્યાર બાદ તેના પરિવારજનોને શોધીને તેમને સોંપી હતી.’

આશ્રમથી ભાવુક વિદાય
સમર્થ આશ્રમના કાર્યકર્તાઓએ મારા માટે ઘણું કર્યું છે એમ જણાવીને કેરોલિનાએ વિદાય લેતી વખતે ભાવુક થઈને કહ્યું હતું કે ‘મારી તબિયત સારી થયા બાદ હું આશ્રમમાં આવીને સેવા કરીશ.’ 
સંદીપ પરબે આ સંસ્થાની સ્થાપના દસ વર્ષ પહેલાં રસ્તા પર નિરાધાર જીવન જીવતા લોકોને અને ગરીબીને કારણે ફુટપાથ પર જીવન જીવતા લોકોને સન્માનજનક જીવન આપવા માટે કરી હતી. સંસ્થાના કાર્યકતાઓથી લઈને ટ્રસ્ટીઓએ કેરોલિનાની સંભાળ લીધી હતી અને પરિવાર સાથે તેની મુલાકાત કરાવી હતી.

mumbai mumbai news goregaon gurugram haryana preeti khuman-thakur