26 March, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભોંદુબાબા અશોક ખરાત પ્રકરણમાં વિધાનસભામાં ખુલ્લેઆમ ગંભીર આરોપો મૂક્યા હતા. રાજ્યના કેટલાક વિધાનસભ્યો દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન પદ પરથી દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરાવવા અશોક ખરાત પાસે ગયા હતા એમ કહીને ગઈ કાલે જિતેન્દ્ર આવ્હાડે સનસનાટીભર્યા દાવામાં એવું પણ કહ્યું હતું કે અશોક ખરાતે આ નેતાઓને ખાતરી પણ આપી હતી કે તેઓ ખરેખર દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન પદ પરથી હાંકી કાઢશે.
જિતેન્દ્ર આવ્હાડે કરેલા દાવા
૨૦૦૭માં અશોક ખરાતે પોતાને બચાવવા માટે પહેલો બલિ પત્રકાર બાળુ તુપેનો આપ્યો હતો. એ સમયે આ કેસ આખા નાશિકમાં બહુ ચગ્યો હતો. એટલે એવું નહોતું કે પોલીસને અશોક ખરાત વિશે ખબર જ નહોતી.
ફક્ત દેવેન્દ્ર ફડણવીસ જ જાણે છે કે પોલીસે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને બચાવવા માટે કેટલા પૈસા લીધા હતા.
ઘણા ઉચ્ચ અધિકારીઓ અશોક ખરાતની સામે ઝૂકતા પણ હતા અને તેમના પ્રોટેક્શન માટે તગડી રકમ પણ લેતા હતા.
દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન પદ પરથી દૂર કરવા માટે કાળા જાદુ અને અઘોરી પ્રથાઓનો ઉપયોગ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તેમનાં નામ જાહેર કરીશ.
સમગ્ર વિધાનસભામાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે રાજકારણના ક્ષેત્રમાં કાળા જાદુ દ્વારા કંઈ પણ શક્ય છે.
મારી પાસે ૩૮ વિધાનસભ્યોની યાદી છે જેમણે અશોક ખરાતની મુલાકાત લીધી હતી અને તેમની ધાર્મિક વિધિના ભાગરૂપે તેમની નાની આંગળીઓ કાપી નાખી હતી. બીજા જ દિવસે વિધાનભવનની અંદર સભ્યો એકબીજાની આંગળીઓ તપાસતા જોવા મળ્યા હતા.
અશોક ખરાતના ટ્રસ્ટના સભ્યો તરીકે સેવા આપનારી વ્યક્તિઓની હજી સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી?