07 November, 2022 09:55 AM IST | Mumbai | Bakulesh Trivedi
ગુજરાતી એન્જિનિયર કલ્પિત પટેલ અને તેમની લૉન્ચ થનારી ઇલેક્ટ્રિક કાર
મુંબઈના ટ્રાફિક અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જતા હોવાને લીધે લોકોને ઑફિસ પહોંચવા જે હાલાકી પડતી હતી એ વિચારીને પોતાના માટે જ નહીં, લોકો માટે અને આપણાં બાળકો માટે સારો અને સસ્તો વિકલ્પ હોવો જોઈએ એવા ધ્યેય સાથે મલ્ટિનૅશનલ બૅન્કની નોકરી છોડીને નાની ફોર-સીટર ઇલેક્ટ્રિક કાર બનાવવા છેલ્લાં પાંચ વર્ષથી મચી પડેલા કલ્પિત પટેલે સમય, એનર્જી અને પૈસા ખર્ચીને પહેલાં ત્રણ-ચાર પ્રોટોટાઇપ કાર બનાવી અને આખરે હવે ફુલફ્લેજ્ડ ઇલેક્ટ્રિક કાર બનાવી છે. તેમનું કહેવું છે કે જો આપણે આપણાં બાળકોના ભવિષ્યનો વિચાર કરતા હોઈએ તો રિસ્ક તો લેવું પડશે. ચાર જણને સમાવતી ઇલેક્ટ્રિક બૅટરી પર ચાલતી EaS-E (ઈઝી) કારનું તેમણે ૧૬ નવેમ્બરે લૉન્ચિંગ પણ રાખ્યું છે. આમ કરી તેમણે ઑટોમોબાઇલ જાયન્ટ્સ કંપનીઓને અચંબામાં મૂકી દીધી છે.
મૂળ મહેસાણાની બાજુના વાંગણાજ ગામના કડવા પટેલ કલ્પિત પટેલે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘રોજ લોકો ઑફિસ જવા માટે ફાઇવ-સીટર કે પછી સેવન-સીટર ગાડી લઈને નીકળે છે અને પછી ટ્રાફિકમાં ફસાતા હોય છે. પંદરથી વીસ કિલોમીટર જવાનું હોય એમાં પણ સિંગલ કે ડબલ ઑક્યુપન્સી જ હોય છે. એથી પહેલાં એવું વિચાર્યું કે શું આપણે નાની ઇલેક્ટ્રિક કાર બનાવી શકીએ જે નાની જગ્યામાંથી નીકળી શકે, પાર્ક થઈ શકે અને સાથે સસ્તી પણ પડે. એથી એના પર કામ ચાલુ કર્યું હતું. એ વખતે એવું નહોતું વિચાર્યું કે આપણે કાર બનાવવાની કંપની ખોલીશું. શું કરી શકીએ એના પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પહેલાં એક, પછી બીજી, પછી ત્રીજી એમ ત્રણ પ્રોટોટાઇપ કારનાં મૉડલ બનાવ્યા પછી લાગ્યું કે આમાં આપણે કંઈક કરી શકીએ છીએ, લોકોને ઉપયોગી વસ્તુ (કાર) છે અને ભવિષ્યમાં આપણાં બાળકો માટે પણ એ સારી વસ્તુ છે એમ વિચારીને પછી ૨૦૧૮માં પીએમવી ઇલેક્ટ્રિક (પીએમવી - પર્સનલ મોબિલિટી વેહિકલ) કંપની ફૉર્મ કરી અને એ પછી બીજી બે પ્રોટોટાઇપ કાર બનાવી અને આખરે હવે એને ફાઇનલ ઓપ આપીને પ્રૉપર ફોર-સીટર પૅસેન્જર કાર બનાવી છે.’
કલ્પિત પટેલે બનાવેલી ‘ઈઝી’ કારનાં અલગ-અલગ વર્ઝન છે, જે દરેક ચાર્જિંગમાં ૧૨૦ કિલોમીટરથી ૨૦૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે અને એ ચારથી પાંચ લાખ રૂપિયાની રેન્જમાં મળી શકશે. આ કાર મૅક્સિમમ ૭૦ કિલોમીટરની સ્પીડ પર દોડી શકશે અને એ સેફ પણ છે. ઑલરેડી તેમને એ કાર માટે ઑર્ડરની ઇન્ક્વાયરી ભારતમાંથી જ નહીં, ફૉરેનમાંથી પણ ચાલુ થઈ ગઈ છે. કલ્પિત પટેલે તેમની કારના પ્રોડક્શન માટેની વિગતો આપતાં કહ્યું હતું કે હાલ અમે પુણેની એક કંપની સાથે ટાઇ-અપ કરીને એને કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરિંગ પર પ્રોડક્શન કરવાનું સોંપવાના છીએ.