ટ્રેનમાંથી ૨૭૦૦ કિલો ગોમાંસ પકડાવ્યું વડોદરાનાં બ્રેવહાર્ટ નેહા પટેલે

07 May, 2025 07:03 AM IST  |  Mumbai | Mehul Jethva

અમ્રિતસરથી આવતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં ટિપના આધારે પોલીસ દ્વારા છાપો મરાવ્યો : મુંબઈ અને વડોદરા રેલવે-પોલીસે બે અલગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

વડોદરા રેલવે સ્ટેશન પર જપ્ત કરવામાં આવેલું ગોમાંસ અને પોલીસ સાથે નેહા પટેલ.

કસાઈઓએ રોડની સાથે-સાથે ટ્રેનમાં પણ ગોમાંસની હેરાફરી શરૂ કરી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. વડોદરામાં રહેતાં ઍનિમલ-ઍ​ક્ટિવિસ્ટ નેહા પટેલની ફરિયાદના આધારે મુંબઈ અને ગુજરાત ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ શુક્રવારે અમ્રિતસરથી મુંબઈ આવતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના લગેજ-કોચમાં છાપો મારતાં ૨૭૦૦ કિલોગ્રામ ગોમાંસ મળી આવ્યું હતું. આ બન્ને કેસમાં ગુજરાતના વડોદરા અને મુંબઈના મુંબઈ સેન્ટ્રલ GRPએ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સામે આવ્યા બાદ બજરંગ દળના કાર્યકર્તાઓ રેલવે-સ્ટેશન પર આવી પહોંચતાં વડોદરા અને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સુરક્ષાવ્યવસ્થા વધારી મામલાને કાબૂમાં કરી લીધો હતો.

બિનવારસ પાર્સલમાંથી જપ્ત કરેલું માંસ વધુ તપાસ માટે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)માં મોકલી આપવામાં આવ્યું હતું જેના રિપોર્ટમાં આ ગોમાંસ હોવાનું સામે આવ્યું છે એમ જણાવતાં નેહા પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે મને માહિતી મળી હતી કે અમ્રિતસરથી મુંબઈ જતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં પાર્સલના ડબામાં ગોમાંસ લઈ જવામાં આવી રહ્યું છે જેના આધારે મેં અને મારી ટીમે સાંજે છ વાગ્યે વડોદરા રેલવે-સ્ટેશન પર આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં તપાસ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાન મુજબ આશરે ૩૦ મિનિટ પહેલાં જ વડોદરા GRPને અમે જાણ કરી હતી. એ ઉપરાંત મોટા પ્રમાણમાં ગોમાંસ હોવાની બાતમીના આધારે રેલવે પ્રોટેક્શન ફોર્સ પણ અમારી સાથે તપાસ માટે આવી હતી. ટ્રેન વડોદરા રેલવે-સ્ટેશન પર આવીને ઊભી રહી એટલે અમે પાર્સલના ડબામાં તપાસ કરતાં ત્યાં ૩૦થી વધારે ગૂણીઓ હતી. એ તમામ ગૂણી પર ફિશ હોવાની માહિતી લખવામાં આવી હતી જેમાંથી બેથી ત્રણ ગૂણીઓ ખોલીને જોતાં અંદર થર્મોકોલ બૉક્સમાં ગોમાંસ હોવાની અમને ખાતરી થઈ હતી. ત્યાર બાદ GRP અને RPFની મદદથી અમે ૧૬ ગૂણીઓ નીચે ઉતારી દીધી હતી. એ સમયે ટ્રેન આશરે વીસ મિનિટ લેટ થઈ જતાં એને તાબળતોબ આગળ મોકલવી જરૂરી હતી એટલે મેં મારા બીજા કાર્યકર્તાઓને ટ્રેનમાં આગળ મોકલ્યા હતા. તેમણે મુંબઈ સેન્ટ્રલ પર જ્યારે ટ્રેન આવીને ઊભી રહી ત્યારે મુંબઈ GRP સાથે મળીને તપાસ કરી હતી. ત્યારે વધુ ૧૪ ગૂણીમાં માંસ મળી આવ્યું હતું. મુંબઈ અને વડોદરા બન્ને રેલવે-સ્ટેશન પર આશરે ૨૭૦૦ કિલો માંસ અમે જપ્ત કરીને તપાસ માટે મોકલતાં એ ગોમાંસ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેનમાં આવી રીતે ગોમાંસ ટ્રાન્સફર થતું હોવાનો મુદ્દો ખૂબ જ ચોંકાવનારો છે. હવે પોલીસે પાર્સલ-બૉક્સમાં કડક તપાસ કરવાની જરૂર જણાય છે.’

ટ્રેનમાં પાર્સલનું બુકિંગ કરાવનાર ત્રણ લોકો સામે અમે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એમ જણાવતાં મુંબઈ સેન્ટ્રલ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર હેમરાજ કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બજરંગ દળના કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશન પર આવી તંગદિલીનો માહોલ કરી દીધો હતો. જોકે અમે RPFની મદદથી તમામ ઘટના કાબૂમાં લઈને ૧૪ ગૂણીનો માલ જપ્ત કર્યો છે. આ તમામ માલ ગોમાંસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાર્સલના બુકિંગમાં આરોપીએ ફિશ લઈ જતા હોવાની માહિતી આપી હતી. આ કેસમાં કોણ-કોણ સામેલ છે? જ્યારે માલ લોડ કરવામાં આવ્યો ત્યારે કેમ તપાસ ન કરવામાં આવી? એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai amritsar Crime News mumbai crime news mumbai crime branch vadodara