08 October, 2025 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
FICCI ફ્રેમ્સ કૉન્ક્લેવમાં હળવા મૂડમાં ચર્ચા કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ અને અક્ષય કુમાર. તસવીર: નિમેશ દવે
FICCI કૉન્ક્લેવમાં અક્ષય કુમાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુંબઈ પોલીસનાં શૂઝથી માંડીને સંતરાં ખાવા સુધીની ચર્ચા
ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના પચીસમા કૉન્ક્લેવ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અક્ષય કુમાર વચ્ચે સામાજિક અને પ્રશાસનને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર હળવા મૂડમાં ચર્ચા થઈ હતી. ત્રણ દિવસના FICCI ફ્રેમ્સ કૉન્ક્લેવમાં સોમવારે સિનેમા-જગત, મીડિયા અને ટેક્નૉલૉજી ક્ષેત્રની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
મુંબઈમાં મેટ્રો અને ટનલોનાં કામને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા બાબતે પૂછતાં દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે ‘અત્યારે મુંબઈગરાઓને તકલીફ પડે છે, પણ આ જ કામ પૂરાં થતાં નજીકના ભવિષ્યમાં મુંબઈના એક છેડેથી બીજે છેડે માત્ર ૫૯ મિનિટમાં પહોંચી શકાશે. ‘મુંબઈ ઇન ૫૯ મિનિટ્સ’ એ અમારો મંત્ર છે.’
જોકે અક્ષય કુમારે પણ માન્યું હતું કે જુહુથી કોલાબ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી જવાય છે. તેણે કહ્યું હતું કે ‘પહેલાં તો ઘરથી નીકળતાં શેવ કર્યું હોય તો સેટ પર પહોંચીને ફરી શેવ કરવું પડે એટલી વાર ટ્રાફિકમાં લાગી જતી હતી. પહેલાં નૉર્થ મુંબઈ અને સાઉથ મુંબઈ જુદાં લાગતાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને કારણે હવે મુંબઈ એક જ લાગે છે.’
અક્ષય કુમારે મુખ્ય પ્રધાનને પોલીસને સ્પોર્ટ્સ શૂઝ આપવા વિનંતી કરી
અક્ષય કુમારે પોલીસના જવાનો માટે ખૂબ લાભદાયી સાબિત થાય એવું સૂચન દેવેન્દ્ર ફડણવીસને કર્યું હતું. તેણે કહ્યું હતું કે ‘પોલીસના યુનિફૉર્મમાં હીલવાળાં શૂઝને બદલે સ્પોર્ટ્સ શૂઝ આપવામાં આવે તો તેમનો શારીરિક થાક ઘટાડી શકાય અને ભાગવાનું કામ હોવાને કારણે તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય.’ દેવેન્દ્ર ફડણવીસે એના જવાબમાં કહ્યું હતું કે ‘આટલું સારું સૂચન આજ સુધી અમને મળ્યું નથી. જો તમે સ્પોર્ટ્સ શૂઝની સારી ડિઝાઇન સૂચવી શકો તો અમે ચોક્કસ અપનાવીશું.’
દેવેન્દ્ર ફડણવીસ ઑરેન્જ સિટી નાગપુરના હોવાને કારણે નાગપુરની સ્ટાઇલમાં નારંગી અડધેથી કાપીને મીઠું નાખીને કેરીની જેમ ખાવાની સ્ટાઇલ પણ અક્ષય કુમારને શીખવી હતી.
ડોમ્બિવલીમાં મહિલા મુસાફરોને ટ્રેનમાં ચડવાની મળી મોકળાશ
સેન્ટ્રલ રેલવેના ડોમ્બિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર ૧૫ ડબ્બાની ટ્રેનનો કલ્યાણ તરફનો પહેલો મહિલા ડબ્બો જે જગ્યાએ આવતો હતો ત્યાં પાંચ ફુટ ૩ ઇંચની ફેન્સિંગ હતી. એને કારણે આ ડબ્બામાં મહિલા મુસાફરોને ચડવા માટે આ ફેન્સ નડતી હતી. ફરિયાદ બાદ રેલવે અધિકારીઓએ આ જગ્યાનું નિરીક્ષણ કરીને ફેન્સ હટાવી દીધી હતી.