29 April, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માઝગાવના બાગ સિંહ રોડ પર મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૨૩ વર્ષના મયૂર સિંહનું રવિવારે વહેલી સવારે ઈસ્ટર્ન ફ્રીવે પર થયેલા બાઇક-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ મામલે વડાલા ટ્રક ટર્મિનલ પોલીસે મયૂરના સ્કૂટરને પાછળથી ટક્કર મારીને નાસી જનારા વાહનચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એ ઉપરાંત અકસ્માત કઈ રીતે થયો એ જાણવા માટે ઈસ્ટર્ન ફ્રીવે પર લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે.
માઝગાવમાં રહેતા બે મિત્રો અંધેરીથી સ્કૂટર પર ઘરે પાછા આવી રહ્યા હતા એ સમયે ઈસ્ટર્ન ફ્રીવે પર પાછળથી આવતા વાહને તેમના સ્કૂટરને ટક્કર મારી હતી એમ જણાવતાં વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉલેજ સ્ટુડન્ટ ૧૯ વર્ષનો હર્ષ સુર્વે અને મયૂર સિંહ શનિવારે મોડી રાતે હર્ષના સ્કૂટર પર અંધેરીમાં મિત્રોને મળવા ગયા હતા. ત્યાંથી રાતે દોઢ વાગ્યાની આસપાસ બન્ને ઘરે પાછા આવવા નીકળ્યા હતા એ સમયે મયૂર સ્કૂટર ચલાવી રહ્યો હતો. દરમ્યાન ઈસ્ટર્ન ફ્રીવે પર ભક્તિ પાર્કની મ્હાડા કૉલોની નજીક પાછળથી આવતા વાહને તેમના સ્કૂટરને ટક્કર મારતાં મયૂરે સ્કૂટર પરથી સંતુલન ગુમાવતાં બન્ને નીચે પડ્યા હતા. એ સમયે પાછળથી આવતી ટ્રકનું ટાયર મયૂરના માથા પરથી ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પાછળથી સ્કૂટરને ટક્કર મારનાર વાહનચાલક ત્યાંથી નાસી ગયો હતો જેની અમે શોધ કરી રહ્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે ઈસ્ટર્ન ફ્રીવે પર ટૂ-વ્હીલર પ્રતિબંધિત છે.