ન્યુઝ શોર્ટમાં: કેવી રહી ૨૬ જુલાઈ? મુંબઈ અને દેશ-વિદેશના સમાચારો એક ક્લિકમાં

28 July, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈ જે રીતે જળબંબાકાર થયું એ પછી વરસાદ પ્રત્યેની મુંબઈગરાની પ્રતિક્રિયા બદલાઈ ગઈ છે.

મરીન ડ્રાઈવ (તસવીર- આશિષ રાજે)

૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈ જે રીતે જળબંબાકાર થયું એ પછી વરસાદ પ્રત્યેની મુંબઈગરાની પ્રતિક્રિયા બદલાઈ ગઈ છે. ગઈ કાલે એ ગોઝારા દિવસને ૨૦ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે કોઈએ દરિયાનાં ઊછળતાં મોજાંઓનો આનંદ લીધો હતો, કોઈની છત્રી કાગડો થઈ ગઈ હતી તો કોઈના ઘરમાં દરિયાનાં પાણી ઘૂસી આવ્યાં હતાં.

રાખડીઓમાં ચમકશે આ‍ૅપરેશન સિંદૂર

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અનેક પ્રકારની રાખડીઓ હવે જોવા મળશે. જમ્મુમાં એક સ્વ-સહાય જૂથની મહિલાઓએ ઑપરેશન સિંદૂરને બિરદાવતા સિંદૂર શબ્દ સાથેની રાખડીઓ તૈયાર કરી હતી.

લો બોલો, દિલ્હીમાં રોજ ૧૩ ગાડીની ચોરી થાય છે

ગઈ કાલે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજધાની દિલ્હીમાં રોજની એક-બે નહીં પણ ૧૩ ગાડીઓ ચોરી થઈ રહી છે. દિલ્હી પોલીસ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૦૨૫માં ૧ જાન્યુઆરીથી ૧૫ જુલાઈ સુધીના સમયમાં શહેરમાંથી ૨૪૬૮ ગાડીઓ ચોરી થઈ હતી એટલે કે ઍવરેજ કાઢીએ તો રોજની ૧૩ ગાડી ચોરી થઈ હતી. જોકે અધિકારીઓ અને સત્તાધીશો એમ કહીને હાશકારો લઈ રહ્યા છે કે આ જ સમય દરમ્યાન ગયા વર્ષે ૨૦૨૪માં ૨૭૩૨ ગાડી ચોરી થઈ હતી એટલે આંકડો ઘટી રહ્યો છે. 

રાજસ્થાનમાં બાળકો ગુમાવનારા પરિવારોનું આક્રંદ અને આક્રોશ

શુક્રવારે રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત પડી જવાથી ૭ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને ૨૮ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માનવ અધિકાર પંચે રાજસ્થાન સરકાર પાસેથી આ ઘટનાનો લેખિત ખુલાસો બે અઠવાડિયાંમાં આપવાનું કહ્યું છે. જોકે આમાંથી કોઈ પગલાં કે કવાયતો બાળકો ગુમાવનારા પીડિત પરિવારો પર તૂટી પડેલા દુખોના પહાડનો બોજ હળવો કરી શકે એમ નથી. સ્કૂલની ઇમારતના ખંડિયેર વચ્ચે પડેલું પુસ્તક આપણી સમગ્ર શિક્ષણ-વ્યવસ્થાની દુર્દશા સૂચવે છે. ગામમાં પહોંચેલી પોલીસની ગાડી પર પીડિત પરિવારોનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો.

સાળંગપુરમાં હનુમાનદાદાને ૨૦૦૦ કિલો ફ્રૂટ્સનો અન્નકૂટ અને ૫૦ કિલો ફ્રૂટ્સની કેક અર્પણ

સૌરાષ્ટ્રના યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે હનુમાનદાદાને ૨૦૦૦ કિલો ફ્રૂટ્સનો અન્નકૂટ અને ૫૦ કિલો ફ્રૂટ્સની કેક ધરાવાઈ હતી. સફરજન, કેળાં, દ્રાક્ષ, મોસંબી, નાશપતિ, દાડમ, પપૈયું, ખારેક, જાંબુ, ડ્રૅગન ફ્રૂટ, તરબૂચ, ચીકુ, પાઇનેપલ સહિતનાં ફ્રૂટ્સથી હનુમાનદાદાના સિંહાસનને અનોખો શણગાર કરાયો હતો. આ તમામ ફ્રૂટ્સ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચાશે. ખાસ કરીને ફ્રૂટ્સને અવનવા શેપમાં કટ કરીને ગોઠવવામાં આવ્યાં હોવાથી એ દર્શનીય બની રહ્યાં હતાં.  

સ્કૉટલૅન્ડમાં ગૉલ્ફ રમતા ટ્રમ્પ સામે વિરોધનો વંટોળ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ગઈ કાલે સ્કૉટલૅન્ડની મુલાકાતે ગયા હતા ત્યાં સ્કૉટલૅન્ડવાસીઓએ તેમની મુલાકાતનો વ્યાપક વિરોધ કર્યો હતો. લોકો ‘ટ્રમ્પ નૉટ વેલકમ’નાં પોસ્ટર સાથે રસ્તા પર ઊતર્યા હતા. જોકે ડોનલ્ડ ટ્રમ્પે આ વિરોધને અવગણતાં તેમની માલિકીના ગૉલ્ફ કોર્સમાં દીકરા સાથે ગૉલ્ફ રમ્યા હતા. આ મુલાકાતમાં ટ્રમ્પ રાજનેતાઓને પણ મળવાના છે અને સ્કૉટલૅન્ડમાં તેમણે ખરીદેલા બીજા ગૉલ્ફ કોર્સનું ઉદ્ઘાટન પણ કરવાના છે.

સાપુતારામાં રંગારંગ મૉન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ

ગુજરાતના સૌથી રમણીય અને ચોતરફ પહાડોની ગિરિમાળાઓની વચ્ચે અખૂટ સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન સાપુતારામાં ગઈ કાલથી મૉન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો હતો. ડાંગના સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થયેલા ડાંગી નૃત્ય સહિત ૧૩ રાજ્યોના ૧૧૦ કલાકારોએ એક પછી એક નૃત્યુ રજૂ કરીને રમઝટ બોલાવીને જમાવટ કરી હતી. આ ફેસ્ટિવલ ૧૭ ઑગસ્ટ સુધી ચાલશે. 

mumbai news mumbai mumbai monsoon mumbai rains