૧૯૯૩ના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ કેસમાં વધુ એક યાકૂબનું મોત

07 August, 2015 04:13 AM IST  | 

૧૯૯૩ના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ કેસમાં વધુ એક યાકૂબનું મોત



૧૯૯૩ના મુંબઈના બૉમ્બ-બ્લાસ્ટ કેસના આરોપીઓમાંથી એક યેડા યાકૂબ પાકિસ્તાનના કરાચી શહેરમાં મૃત્યુ પામ્યો હોવાનું મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું. તેના કુટુંબના સભ્યોએ ત્યાં જ તેની દફનવિધિ કરી હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે એ દફનવિધિ વખતે કોણ-કોણ હાજર હતું એ સહિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

યેડા યાકૂબ ઉર્ફે યાકૂબ વલી મોહમ્મદ દાઉદના ભાઈ શાબિરનો ખાસ દોસ્ત હતો અને એક વખતે દાઉદ જ્યાં રહેતો હતો એ પાકમોડિયા સ્ટ્રીટનો નિયમિત મુલાકાતી હતો. ૧૯૯૨માં થયેલાં કોમી રમખાણોનો બદલો લેવા માટે વિસ્ફોટો કરાવવા દાઉદને ઉશ્કેરનારાઓમાંથી એક યેડા યાકૂબ હતો. ૧૯૯૩ના વિસ્ફોટો વખતે સ્ફોટક પદાર્થો ઉતારવા અને સ્થળો પર પહોંચાડવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિસ્ફોટો પછી દાઉદ, તેબા અનવર, અહમદ હાજી, જાવેદ ટેલર, ટાઇગર મેમણ અને તૌફિક જાલીવાલા સાથે મુંબઈ છોડીને કરાચી જનારાઓમાં યેડા યાકૂબનો પણ સમાવેશ હતો. વિસ્ફોટ કેસમાં તેના ભાઈ માજિદની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને કોર્ટે તેને દોષમુક્ત કર્યો હતો, પરંતુ ૧૯૯૯માં છોટા રાજનના ગુંડાઓએ તેની હત્યા કરી હતી.