✕

કુર્લાના નેહરુનગરમાં બિલ્ડિંગની લિફ્ટમાં ૧૪ જણ ફસાયા, ૩ કલાકે થયો છુટકારો

09 October, 2026 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી સહેજ જ ઉપર અટકી ગઈ હતી અને એનો દરવાજો નહોતો ખૂલી રહ્યો

પ્રતીકાત્મક તસવીર

કુર્લા-ઈસ્ટના નેહરુનગરના માસ મેટ્રોપૉલિસ બિલ્ડિંગમાં સંબંધીને ત્યાં બર્થ-ડે સેલિબ્રેશન માટે ગયેલા ૧૪ મહેમાનો પાર્ટી પત્યા પછી ૩ કલાક લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના બુધવારે મધરાત બાદ ૧૨.૪૦ વાગ્યે બની હતી. ફસાયેલા મહેમાનોને ફાયર-બ્રિગેડે મહામહેનતે બહાર કાઢ્યા હતા.

બર્થ-ડે સેલિબ્રેશન ૧૪મા માળે હતું. એ પતાવીને ૪ બાળકો સહિત ૧૪ મહેમાનો નીચે જવા લિફ્ટમાં પ્રવેશ્યા હતા. લિફ્ટ નૉર્મલ સ્પીડમાં જ નીચે જઈ રહી હતી. છઠ્ઠા માળે આવ્યા પછી લિફ્ટની સ્પિડ એકદમ વધી ગઈ હતી અને બહુ જ ઝડપથી એ ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા પહેલાં જ ઝટકા સાથે અટકી ગઈ હતી. આ ઘટનાને કારણે લિફ્ટની અંદર રહેલા એ ૧૪ મહેમાનો એકદમ ગભરાઈ ગયા હતા. 

લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી સહેજ જ ઉપર અટકી ગઈ હતી અને એનો દરવાજો નહોતો ખૂલી રહ્યો. એથી એ પછી ઘટનાની જાણ ફાયર-બ્રિગેડ અને નેહરુનગર પોલીસને કરવામાં આવી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કર્યું હતું. તેમણે ઇલેક્ટ્રિક કટરથી લિફ્ટનો દરવાજો કાપીને હાઇડ્રોલિક જૅકની મદદથી લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો અને અંદર ફસાયેલા ૧૪ જણને સુખરૂપ બહાર કાઢ્યા હતા.

દરવાજો ખોલવામાં ૩ કલાકનો સમય લાગી ગયો હતો. ત્યાં સુધી લિફ્ટમાં ફસાયેલા લોકો ગરમી અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવવા લાગ્યા હતા. લિફ્ટ ચોક્કસ કયાં કારણોસર નીચે ઝડપથી સરકી અને દરવાજો કેમ ન ખૂલ્યો એનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. એની તપાસ પોલીસ કરી રહી છે.   

mumbai news mumbai kurla