સતત બીજા દિવસેય ભારે વરસાદ, પણ ૪.૯૭ની ભરતીએ કોઈ સમસ્યા ન સરજી

26 June, 2013 11:16 AM IST  | 

સતત બીજા દિવસેય ભારે વરસાદ, પણ ૪.૯૭ની ભરતીએ કોઈ સમસ્યા ન સરજી



સોમવારથી સતત વરસી રહેલા વરસાદે ગઈ કાલે પણ વરસવાનું ચાલુ રાખ્યું હતું પણ ગઈ કાલે તળમુંબઈ કરતાં ઉપનગરમાં વરસાદનું જોર ભારે રહ્યું હતું. ગઈ કાલે કોલાબામાં ૧૦.૮ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો તો સાંતાક્રુઝમાં ૫૩.૮ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. આજે પણ વેધશાળાએ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

ગઈ કાલે બપોરે ૧.૪૯ વાગ્યાથી ચોમાસાની સહુથી મોટી ભરતી હતી. ભરતી દરમ્યાન મોજાં ૪.૯૭ મીટર જેટલાં ઊંચાં ઊછળવાનાં હોવાથી ભારે વરસાદ પડ્યો તો મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાવાની શક્યતાને પગલે સુધરાઈ સહિત રેલવેએ તકેદારીનાં તમામ પગલાં લીધાં હતાં, પણ સદ્નસીબે ગઈ કાલે પાણી ભરાવાના છૂટક બનાવો સિવાય અને બે-ત્રણ જગ્યાએ ઘરની ભીંત તૂટી પડવા સિવાય બીજા કોઈ બનાવ બન્યા ન હોવાને લીધે સુધરાઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આજે પણ દરિયામાં મોટી ભરતી છે એ દરમ્યાન મોજાં ૪.૯૩ મીટર જેટલાં ઊંચાં ઊછળશે એટલે એ સમય દરમ્યાન ભારે વરસાદ પડ્યો તો પાણી ભરાઈ શકે છે એટલે સુધરાઈએ આજે પણ અલર્ટ જાહેર કરી છે. આવતી કાલે દરિયામાં ફરી મોટી ભરતી છે, એ દરમ્યાન મોજાં ૪.૭૯ મીટર જેટલાં ઊંચાં ઊછળશે.