તમારા લીધે મને પ્રૉબ્લેમ થાય છે એવું બાઇડને મોદીને કેમ કહ્યું?

22 May, 2023 11:24 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

આપણા વડા પ્રધાન જે પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય છે એ અટેન્ડ કરવા માટે અમેરિકન પ્રેસિડન્ટને મોટી સંખ્યામાં રિક‍્વેસ્ટ આવતી હોવાથી તેઓ તકલીફમાં આવી જાય છે, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનની પણ છે આ જ વ્યથા

જપાનના હિરોશિમામાં શનિવારે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

જપાનમાં ક્વાડ લીડર્સની મીટિંગ દરમ્યાન અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ તેમની અજબ મુશ્કેલી રજૂ કરી હતી. આ બન્ને વર્લ્ડ લીડર્સે દાવો કર્યો હતો કે જે કાર્યક્રમોને પીએમ મોદી સંબોધવાના છે એ વેન્યુ પર સ્થાન મેળવવા માટે અગ્રણી નાગરિકો તરફથી તેમને બન્નેને અઢળક વિનંતીઓ મળી છે.
નોંધપાત્ર છે કે પીએમ મોદી મંગળવારે સિડનીમાં ઑસ્ટ્રેલિયન સીઈઓ, બિઝનેસ લીડર્સની સાથે મીટિંગ કરશે તેમ જ એક કમ્યુનિટી ઇવેન્ટમાં મૂળ ભારતીયોની સાથે વાતચીત કરશે. જૂનમાં પીએમ પ્રેસિડન્ટ બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડનના આમંત્રણ પર અમેરિકા જશે.

સોર્સિસ અનુસાર પીએમ અલ્બનીઝે જણાવ્યું હતું કે સિડનીમાં કમ્યુનિટી ઇવેન્ટની ટિકિટ્સ માટે તેમને અઢળક વિનંતી મળી છે અને તેઓ એ તમામ વિનંતીને ફુલફિલ કરી શકે એમ નથી. એ વેન્યુની ૨૦,૦૦૦ લોકોની કૅપેસિટી છે અને એની તમામ ટિકિટ્સ વેચાઈ ગઈ હોવા છતાં ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને કહ્યું હતું કે હજી તેમને ટિકિટ્સ માટે વિનંતી કરવામાં આવે છે.

પીએમ અલ્બનીઝે આ વર્ષે ભારતમાં તેમની મુલાકાતને યાદ કરી હતી કે જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૯૦,૦૦૦ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રેસિડન્ટ બાઇડને પીએમ મોદી સમક્ષ એવી જ સમસ્યા રજૂ કરી હતી અને કહ્યું હતું કે ‘મારે તમારા ઑટોગ્રાફ મેળવવા જોઈએ.’

સોર્સિસ અનુસાર પ્રેસિડન્ટ બાઇડને કહ્યું હતું કે ‘તમારા લીધે મને ખરેખર પ્રૉબ્લેમ થઈ રહ્યો છે. આવતા મહિને વૉશિંગ્ટનમાં અમે તમારા માનમાં ડિનર રાખ્યું છે. આખા દેશમાંથી દરેક જણ આવવા માગે છે. મારી પાસે ટિકિટ્સ ખૂટી ગઈ છે. તમને એમ લાગે છે કે હું મજાક કરું છું? મારી ટીમને પૂછો. મને એવા લોકોના ફોન-કૉલ્સ આવી રહ્યા છે કે જેમનાં નામ મેં આ પહેલાં ક્યારેય સાંભળ્યાં નહોતાં. મૂવી સ્ટાર્સથી લઈને રિલેટિવ્સ સુધી તમામ. તમે ખૂબ પૉપ્યુલર છો.’

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, ક્વાડમાં આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ સહિત તમામ બાબતો પર તમે નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે. ઇન્ડો-પૅસિફિક ક્ષેત્ર પર તમારો પ્રભાવ છે.’

tokyo g20 summit narendra modi joe biden international news