26 September, 2023 10:38 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
ચીન અને પાકિસ્તાન દ્વારા કરાવાયેલી હત્યાઓમાં શા માટે તપાસ જ ન થઈ
ટૉરોન્ટો ઃ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અત્યારે ભારતની સાથેના સંબંધોને જોખમમાં મૂકી રહ્યા છે. કૅનેડામાં નાગરિકોની હત્યાઓમાં વિદેશોના હસ્તક્ષેપના આરોપ નવા નથી. જોકે ટ્રુડો આ બાબતોમાં પક્ષપાત કરી રહ્યા હોવાનું જણાય છે. ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી હોવાનો આરોપ જાહેરમાં મૂક્યો છે. આ આરોપને ભારતે નકાર્યો છે. જોકે ચીન અને પાકિસ્તાન દ્વારા કરાવવામાં આવેલી બે કથિત હત્યા મામલે તેઓ મૌન છે.
ટ્રુડો ચાઇનીઝ મૂળના વેઇ હુ અને પાકિસ્તાન મૂળની કરીમા બલૂચની હત્યાઓની તપાસમાં પક્ષપાત કરી
રહ્યા છે.
વેઇ હુ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના ઑપરેશન ફૉક્સ હન્ટ નામના એક કૅમ્પેનના ટાર્ગેટ બન્યા હોવાનો આરોપ છે. આ ઑપરેશન હેઠળ ચીન એની સામે અવાજ ઉઠાવનારાઓને શાંત કરી દે છે. હુના કેસમાં ઑપરેશન ફૉક્સ હન્ટ હેઠળ હુને પાછો ચીનમાં લાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી. રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસે હુના કેસ બાબતે કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે કૅનેડામાં ચીન અને અન્ય દેશોના હસ્તક્ષેપથી તેઓ વાકેફ છે. વેઇ હુનું જુલાઈ ૨૦૨૧માં મોત થયું હતું. તેના મોતમાં ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રુડોના ઇલેક્શન કૅમ્પેન માટે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી રૂપિયા મેળવવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
૨૦૨૦માં અન્ય એક શૉકિંગ કેસમાં પાકિસ્તાની ઍક્ટિવિસ્ટ કરીમા બલૂચ ટૉરોન્ટોમાં મૃત અવસ્થામાં મળી હતી. તેની વિરુદ્ધ પાકિસ્તાનમાં આતંકવાદના આરોપો મૂકવામાં આવ્યા બાદ તે ૨૦૧૫થી કૅનેડામાં રહેતી હતી. તેની મોતમાં હત્યાના એંગલથી તપાસ જ ન થઈ.