18 May, 2023 12:08 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચૅટબોટ ટૂલ ચૅટજીપીટીના મેકર ઓપનએઆઇના સીઈઓ સૅમ અલ્ટમૅને મંગળવારે સેનેટની એક કમિટીની સુનાવણી દરમ્યાન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને રેગ્યુલેટ કરવાની અમેરિકન સંસદસભ્યોને અપીલ કરી હતી. તેમણે આ ટેક્નૉલૉજીને ક્રાંતિકારી ગણાવી હતી, પરંતુ એના માટે સેફ્ટીનો ખ્યાલ જરૂરી હોવાનું જણાવ્યું હતું. અલ્ટમૅને કહ્યું હતું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કંપનીઓને લાઇસન્સ આપવા માટે સાવ નવી સંસ્થા સ્થાપવી જોઈએ. ચૅટજીપીટીને ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જુદાં-જુદાં કારણસર દુનિયાને એઆઇ ટૂલ્સથી ખતરો જણાઈ રહ્યો છે. સેનેટની કમિટી સમક્ષ અલ્ટમૅને કહ્યું હતું કે ‘આપણા જીવનના લગભગ દરેક પાસામાં સુધારો કરવાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં ક્ષમતા છે, એવી માન્યતા સાથે ઓપનએઆઇની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એનાથી ગંભીર ખતરો છે. એઆઇ ટૂલ્સ વધારે ને વધારે પાવરફુલ થઈ રહ્યાં છે ત્યારે એનાથી ઊભાં થતાં જોખમોને ઘટાડવા માટે સરકારો નિયમન દ્વારા હસ્તક્ષેપ કરે એ મહત્ત્વપૂર્ણ રહેશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમય જતાં ઓપનએઆઇ દ્વારા ડેવલપ જનરેટિવ એઆઇ ક્લાઇમેટ ચેન્જ અને કૅન્સરની સારવાર જેવા માનવજાત માટે સૌથી મોટા પડકારોનો સામનો કરશે. જોકે, ખોટી માહિતીના ફેલાવા, જૉબ સિક્યૉરિટી અને અન્ય જોખમોને જોતાં અમે માનીએ છીએ કે સરકારો દ્વારા એનું નિયમન કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. અલ્ટમૅને પાવરફુલ એઆઇ મૉડલ્સના રિલીઝ પહેલાં ટેસ્ટિંગ અને લાઇસન્સની સિસ્ટમના કૉમ્બિનેશન માટે અમેરિકન સરકારને સૂચન કર્યું હતું.