02 November, 2026 11:40 AM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
રોવાન ટૂથ અને હૅન્સન સ્ટીવનનું સાઉદી અરેબિયામાં સન્માન કરવામાં આવ્યું હતું.
૩૦ સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવિવ જઈ રહેલી flydubaiની ફ્લાઇટમાં કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ કરેલો હુમલો ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છરે નિષ્ફળ બનાવ્યા બાદ વિમાનનું સફળ લૅન્ડિંગ કરાવનારા બે પાઇલટોની ઓળખ હવે જાહેર કરવામાં આવી છે. આમાંથી એક સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર બૅરી ટૂથનો પુત્ર રોવાન ટૂથ છે, જ્યારે બીજો પાઇલટ હૅન્સન સ્ટીવન ફિજીનો નાગરિક છે. બૅરી ટૂથે ગયા વર્ષે જ છેલ્લા શ્વાસ લીધા હતા.
રોવાન ટૂથ અને હૅન્સન સ્ટીવન બેઉ આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા flydubaiના વધારાના પાઇલટો હતા અને તેઓ તેલ અવિવથી દુબઈ આવતી ફ્લાઇટ ઉડાવવાના હતા. તેઓ બેઉ વિમાનમાં હોવાથી સ્મિત મચ્છર પર થયેલા હુમલા બાદ પણ તેમણે ડૅમેજ થયેલા વિમાનને સાઉદી અરેબિયાના તાબુક ઍરપોર્ટ પર સલામત રીતે નીચે ઉતાર્યું હતું. ત્યાંથી બીજી ફ્લાઇટમાં પ્રવાસીઓને ઇઝરાયલ લઈ જવામાં આવ્યા હતા.
અત્યાર સુધી વિમાનમાં સ્મિત મચ્છર, હમામ અલ-હમ્મામી અને ૪ ઇઝરાયલી પ્રવાસીઓનાં નામ જ બહાર આવ્યાં હતાં, પણ વિમાન તાબુકમાં કોણે ઉતાર્યું એની જાણકારી જાહેર કરવામાં આવી નહોતી. જોકે દુબઈમાં ૨૭ ઑક્ટોબરે flydubaiના ક્રૂ-મેમ્બરોને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમનાં નામ જાહેર થયાં હતાં.
ફિજીનો નાગરિક સ્ટીવન પહેલાં ફિજી ઍરવેઝ સાથે કામ કરતો હતો, પણ પછી flydubaiમાં જોડાયો હતો. રોવાન ટૂથ પહેલાં સાઉથ આફ્રિકાની ઍરલિન્કમાં કામ કરતો હતો પણ ૨૦૨૩માં તે flydubaiમાં જોડાયો હતો. ૩૦ સપ્ટેમ્બરે સ્મિત મચ્છરે કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યા બાદ પ્રવાસીઓએ હમામ અલ-હમ્મામીને બાંધી દીધો હતો અને આ બે પાઇલટોએ કૉકપિટમાં જઈને વિમાનનો કન્ટ્રોલ સંભાળ્યો હતો.