15 November, 2026 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આગામી મહિનાઓમાં એલ નીન્યોની અસરને પગલે ભારતમાં ગરમી, દુષ્કાળ અને વિવિધ ચેપી રોગોનું જોખમ વધી શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના ૨૦૨૬ના ગ્લોબલ પબ્લિક હેલ્થ સિચુએશન ઍનૅલિસિસ રિપૉર્ટમાં ભારતને એલ નીન્યોના કારણે આરોગ્યલક્ષી જોખમ ધરાવતા દેશોમાં સામેલ કરવામાં આવ્યું છે. WHOના રિપોર્ટમાં દક્ષિણ એશિયાના મોટા ભાગના વિસ્તારોમાં ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૨૬ દરમ્યાન સામાન્ય કરતાં ઓછો વરસાદ અને ત્યાર બાદ પેદા થનારી સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં ગરમીને કારણે હીટ-સ્ટ્રેસ, કુપોષણ અને પહેલેથી રહેલા હૃદય તથા શ્વસન સંબંધિત રોગો વકરવાનું જોખમ છે. આ ઉપરાંત ડેન્ગી, લેપ્ટોસ્પાઇરોસિસ, મલેરિયા અને રસીથી અટકાવી શકાય એવા ચેપી રોગોનું જોખમ પણ દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારતમાં મલેરિયાની શક્યતા વધુ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એલ નીન્યોની સાથે પૉઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD)ની સ્થિતિ સર્જાય તો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સૂકા હવામાનની અસર વધુ તીવ્ર બની શકે છે. વરસાદની અછતને કારણે પાણીની તંગી, ખેતીના ઉત્પાદનમાં ઘટાડો અને ખાદ્ય અસુરક્ષાનું જોખમ ઊભું થઈ શકે છે. એની સૌથી વધુ અસર બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને લાંબા સમયથી બીમારી ધરાવતા લોકો પર પડી શકે છે. WHOએ દેશોને અત્યારથી જ આરોગ્ય સેવાઓની સજ્જતા વધારવા, રોગચાળાની દેખરેખ મજબૂત કરવા અને આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો રાખવા પણ અપીલ કરી છે.
એલ નીન્યો એટલે શું?
એલ નીન્યોએ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી એક વિશિષ્ટ આબોહવાકીય ઘટના છે જે દર બેથી ૭ વર્ષે જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણી એશિયા તરફ વહેતું હોય છે, પરંતુ એલ નીન્યોની સ્થિતિમાં પવનો નબળા પડતાં આ ગરમ પાણી દક્ષિણ અમેરિકા તરફ ધકેલાય છે. આને કારણે મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. આ પ્રક્રિયાની સીધી અસર વૈશ્વિક આબોહવા પર પડે છે. એલ નીન્યોને કારણે ભારતીય ઉપખંડ અને દક્ષિણ એશિયામાં ચોમાસું નબળું પડે છે, જેને લીધે ઓછા વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે; જ્યારે દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને પૂર આવે છે. આ સ્થિતિ ગરમી વધારવા અને ખેતી તેમ જ અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર માનવામાં આવે છે.