ભારત સાથેના સંબંધો માટે અમે ખૂબ ગંભીર, પરંતુ તપાસમાં સહકાર જરૂરી: જસ્ટિન ટ્રુડો

30 September, 2023 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાનો આરોપ મૂકીને વિવાદ ઊભો કરનારા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે જણાવ્યું છે કે કૅનેડા ભારતની સાથે ગાઢ સંબંધો બનાવવા માટે હજી પણ કમિટેડ છે.

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો

મૉ​ન્ટ્રિયલ : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાનો આરોપ મૂકીને વિવાદ ઊભો કરનારા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે જણાવ્યું છે કે કૅનેડા ભારતની સાથે ગાઢ સંબંધો બનાવવા માટે હજી પણ કમિટેડ છે. કૅનેડા સ્થિત નૅશનલ પોસ્ટ ન્યુઝ પેપર અનુસાર દુનિયાભરમાં ભારતના વધતા પ્રભાવ વિશે ટ્રુડોએ કહ્યું હતું કે કૅનેડા અને એના સાથી દેશો ભારતની સાથે સતત કામ કરતા રહે એ અત્યંત જરૂરી છે.
ગુરુવારે મૉ​ન્ટ્રિયાલમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં ટ્રુડોએ કહ્યું હતું કે ‘ભારત આર્થિક શક્તિ તરીકે ઊભરી રહ્યું છે અને ભૂરાજકીય દૃષ્ટિએ મહત્ત્વનો દેશ છે. ગયા વર્ષે અમે રજૂ કરેલી અમારી ઇન્ડો-પૅસિફિક સ્ટ્રૅટેજી મુજબ જ અમે ભારતની સાથે ગાઢ સંબંધો બનાવવા માટે ખૂબ જ ગંભીર છીએ. જોકે કાયદાનું પાલન કરનારા દેશ તરીકે અમારે ભાર મૂકવો પડે છે કે આ મામલે અમને પૂરેપૂરી હકીકતો મળે એની ખાતરી કરવા માટે ભારતે કૅનેડાની સાથે મળીને કામ કરવાની જરૂર છે.’
પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઇગર ફોર્સના ચીફ નિજ્જરની ૧૮મી જૂને બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. ભારતે ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

world news canada justin trudeau