25 May, 2021 02:12 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીને સમગ્ર દુનિયાને કોરોના વાઇરસ વિશે જાણ કરી એનાં ત્રણ સપ્તાહ પહેલાં જ (નવેમ્બર ૨૦૧૯માં) એના વુહાન શહેરની વાઇરોલૉજી ઇન્સ્ટિટ્યૂટના ત્રણ સંશોધકોને હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. અમેરિકાની ગુપ્તચર સંસ્થાના રિપોર્ટને ટાંકીને ત્યાંના મીડિયાએ આ વાઇરસ ચીની બાયો લૅબમાંથી જ બહાર આવ્યો હોવાની તપાસ કરવાની માગ કરી હતી. વૉલ સ્ટ્રીટ જર્નલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ વુહાનની લૅબના બીમાર રિસર્ચરોમાં નવેમ્બર ૨૦૧૯માં કોવિડ-19 અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે થતા સામાન્ય રોગ જેવાં જ લક્ષણો દેખાયાં હતાં.
કોરોનાને લઈને વૈજ્ઞાનિકો અને રાજકારણીઓમાં વિવાદ છે. કેટલાકના મતે આ વાઇરસ લૅબમાંથી લીક થયો છે. આ રોગ સૌથી પહેલાં ૨૦૧૯માં વુહાન લૅબ નજીક આવેલી સી ફુટ માર્કેટમાં દેખાયો હતો. ત્યાર બાદ વિશ્વભરમાં પ્રસર્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પણ એ વાતમાં વિશ્વાસ ધરાવે છે કે આ વાઇરસ ચીનની લૅબમાંથી જ ભાગ્યો છે. કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો એ મામલે તપાસ કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સભ્યો આગામી શોધમાં આ રોગની ઉત્પત્તિ અને ચીનના રિસર્ચરોની માંદગીના સમયને લઈને પણ ચર્ચા કરશે.
દરમ્યાન ચીને વુહાનમાંની લૅબમાંના પોતાના સંશોધકો કોઈ વાઇરસને કારણે બીમાર પડ્યા હોવાના અહેવાલને ખોટો ગણાવ્યો છે અને અમેરિકાએ આ આખી થિયરી ઉપજાવી કાઢી હોવાનું કહ્યું હતું.
કોરોના કુદરતી રીતે વિકસિત થયો હોવાની વાત સાથે હું સહમત નથી : એન્થની ફૌચી
અમેરિકાના ચેપી રોગોના નિષ્ણાત એન્થની ફૌચીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ કુદરતી રીતે વિકસિત થયો હોવાની વાતથી તે સહમત નથી અને વાઇરસની ઉત્પત્તિ માટે ચીનમાં ખુલ્લી તપાસ હાથ ધરવા મીડિયાને આવાહન કર્યું હતું. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જીઝ એન્ડ ઇન્ફેક્ટિયસ ડિસિઝના ડિરેક્ટર એન્થની ફૌચીએ ગઈ કાલે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ કુદરતી રીતે વિકસિત થયો હોવાની તેમને કોઈ ખાતરી નથી અને ચીનમાં હકીકતે શું બન્યું હતું તે વિશે જાણ વિના કોઈ નિષ્કર્ષ પર આવી શકાય નહીં. જે લોકોએ આ વાતની તપાસ કરી હતી તેમનું કહેવું છે કે આ વાઇરસ પહેલાં કોઈ પ્રાણીમાં ઉછર્યો હશે અને ત્યાર બાદ માનવીને તેનો ચેપ લાગ્યો હશે. જોકે હકીકત કાંઈ બીજી જ હોઈ શકે છે જે આપણે શોધી કાઢવું પડશે.