27 May, 2025 07:42 AM IST | Hanoi | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે તેઓ ફ્લાઇટમાંથી નીચે ઊતરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમની પત્ની બ્રિજિટ તેમને થપ્પડ મારી રહી છે. આ વાઇરલ વિડિયો વિયેટનામની રાજધાની હનોઈનો છે જ્યાં ફ્રેન્ચ પ્રેસિડન્ટ તેમની પત્ની સાથે સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. પ્રેસિડન્ટ વિમાનમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હોય છે ત્યારે ફર્સ્ટ લેડી પોતાના હાથથી મૅક્રૉનના ચહેરા પર થપ્પડ મારતી જોવા મળે છે. વિડિયોમાં જોવા મળે છે કે વિમાનનો દરવાજો ખૂલતાંની સાથે જ મૅક્રૉન અચાનક પાછળ હટી જાય છે. મૅક્રૉનને તરત જ ખ્યાલ આવે છે કે નીચે પત્રકારોની ભીડ છે અને કૅમેરા ચાલુ છે એટલે તરત જ તેમણે પોતાના ચહેરાના હાવભાવ બદલ્યા, સ્માઇલ આપી અને પોતાનો ચહેરો છુપાવી, માત્ર હાથ હલાવીને વિમાનની અંદર જતા રહ્યા હતા. આ જોઈને સ્ટાફ પણ દંગ રહી ગયો હતો.
શરૂઆતમાં ફ્રેન્ચ પ્રેસિડન્ટ પૅલેસે આ વિડિયોને બનાવટી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ પછીથી વિડિયો સાચો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ ફ્રેન્ચ પ્રેસિડન્ટ પૅલેસે સત્તાવાર નિવેદનમાં થોડો ફેરફાર કર્યો હતો. મૅક્રૉનની નજીકના મિત્રએ એને એક સરળ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ગણાવ્યો હતો.
૨૪ વર્ષ મોટી પત્ની
મૅક્રૉનની પત્ની બ્રિજિટ તેમનાથી ૨૪ વર્ષ મોટી છે અને તેમનાં આ લવ-મૅરેજ છે. બ્રિજિટ એક સમયે તેમની સ્કૂલ-ટીચર હતી. ૧૫ વર્ષની ઉંમરે મૅક્રૉનને ૩૯ વર્ષની ટીચર સાથે પ્રેમ થઈ ગયો હતો. એ સમયે બ્રિજિટ પરિણીત હતી અને ત્રણ બાળકોની મમ્મી પણ હતી. આમ છતાં ૧૬ વર્ષની ઉંમરે મૅક્રૉને પ્રપોઝ કર્યું હતું. તેમના પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા. બ્રિજિટે તેમના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા અને ૨૦૦૭માં જ્યારે મૅક્રૉન ૨૯ વર્ષના હતા અને બ્રિજિટ ૫૪ વર્ષનાં હતાં ત્યારે તેમણે પૅરિસમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં હતાં. ૨૦૧૭માં મૅક્રૉન ફ્રાન્સના પ્રેસિડન્ટ બન્યા પછી બ્રિજિટ ફર્સ્ટ લેડી બન્યાં હતાં. તે પતિના તમામ વિદેશપ્રવાસોમાં સાથે હોય છે.