Vibrio Vulnificus: એક માછલીને કારણે મહિલાના હાથ-પગ કાપવા પડ્યા? આ તે શું વળી?

19 September, 2023 02:42 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Vibrio Vulnificus : કેલિફોર્નિયાની એક મહિલાએ જીવલેણ બેક્ટેરિયાથી દૂષિત તિલાપિયા માછલી ખાધી હતી. ત્યારબાદ આ મહિલાના હાથ અને પગ કાપવા પડ્યા હતા.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કેલિફોર્નિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ વિબ્રિઓ વલ્નિફિકસ (Vibrio Vulnificus) નામના બેક્ટેરિયાથી દૂષિત તિલાપિયા માછલી ખાધી હતી. ત્યારબાદ આ મહિલાના હાથ અને પગ કાપવા પડ્યા હતા. 

વિબ્રિઓ વલ્નિફિકસ (Vibrio Vulnificus) એક પ્રકારનો એવો બેક્ટેરિયા છે જે જીવલેણ રોગનું કારણ બની શકે છે. મુખ્યત્વે કાચો દરિયાઈ પદાર્થ ખાવાને કારણે આ બેક્ટેરિયા માણસના શરીરમાં પ્રવેશે છે. આ મહિલા માટે માછલી ખાવી એટલી મોંઘી થઈ પડી કે તેના બંને હાથ અને પગ ગુમાવવા પડ્યા. 

આખરે શું થયું હતું?
વાસ્તવમાં થયું એવું કે કેલિફોર્નિયામઆ રહેતાં એક 40 વર્ષીય લૌરા બરાજાસે ત્યાંનાં સ્થાનિક બજારમાંથી તિલાપિયા માછલી ખરીદી હતી. આ માછલી વિબ્રિઓ વલ્નિફિકસ (Vibrio Vulnificus) નામના જીવલેણ ફ્લેશ ખાનારા બેક્ટેરિયાથી સંક્રમિત હતી. આવા જીવલેણ બેક્ટેરિયાથી સંક્રમિત થયેલી દૂષિત માછલી ખાધા બાદ આ મહિલાના શરીરમાં ચેપ ફેલાઈ ગયો હતો. જેના કારણે તેના બંને હાથ અને પગ કાપવા પડ્યા હતા. 

જ્યારે આ મહિલાની આવી દશા થઈ ત્યારે તેની એક સહેલીએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, "આ માછલીએ તો અમારા બધા પર ભારે પડી. તે ભયાનક છે. તે અમારામાંથી કોઈનીપણ સાથે થઈ શકત.” તેણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "તેની આંગળીઓ અને અંગૂઠા કાળા પડવા માંડ્યા હતા અને તેના નીચલા હોઠ પણ કાળા પડવા લાગ્યા હતા. તેને સેપ્સિસ (ઇન્ફેકશન) થવા માંડ્યું હતું. આટલું જ નહીં પણ તેની કિડની સુદ્ધાં ખરાબ થવા લાગી હતી.”

બરાજાને વિબ્રિઓ વલ્નિફિકસ (Vibrio Vulnificus) નામના બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હતો. આ બેક્ટેરિયા ખૂબ જ ઘાતક કહેવાય છે. જે સામાન્ય રીતે કાચા સીફૂડ (દરિયાઈ ફૂડ)માં જોવા મળે છે. મળતી માહિતી અનુસાર આ મહિલા માછલી ખાધા પછી બીમાર થઈ ગઈ હતી. આ માછલી તેણે સેન જોસના સ્થાનિક બજારમાંથી ખરીદી હતી અને પોતાના માટે ઘરે રાંધી હતી.

કઈ રીતે આ જીવલેણ બેક્ટેરિયાથી બચવું જોઈએ?

સામાન્યરીતે વિબ્રિઓ વલ્નિફિકસ બેક્ટેરિયા (Vibrio Vulnificus) વાઇબ્રિઓસિસના સૌથી ગંભીર સ્વરૂપોનું કારણ બને છે. તે કાચી શેલફિશ (સામાન્ય રીતે છીપવાળી માછલી) ખાવાથી ફેલાય છે. આ રીતે ખાવા સિવાય તે આપણને જો કોઈ ઘા કે ઇજા થઈ હોય અને દરિયાના ખારા પાણીના સંપર્કમાં આવીએ ત્યારે પણ શરીરમાં પ્રવેશી શકે છે.

આનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે ક્યારેય ઓછું રાંધેલું સીફૂડ ન ખાવું જોઈએ. અથવા તો સીફૂડ ખાતા પહેલા ખાતરી કરો કે તે સારી રીતે રંધાયેલું છે કે નહીં.  માછલી જેવો ખોરાક રાંધ્યા પછી હંમેશા હાથને સારી રીતે ધોઈ લેવા જોઈએ.

california united states of america international news