વાટાઘાટોમાં અમેરિકાએ ક્યારેય લેબૅનનના મુદ્દાને સામેલ નહોતો કર્યો

10 April, 2026 11:14 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટે ઉપરોક્ત સ્પષ્ટતા કરીને કહ્યું કે ઇઝરાયલે લેબૅનન પર કરેલા હુમલામાં ૨૫૦ લોકોનાં મૃત્યુ માટે અમે જવાબદાર નથી, ઈરાનને ગેરસમજ થઈ, યુદ્ધવિરામના અમલમાં શરૂઆતમાં આવું તો થાય

જે. ડી. વૅન્સ

અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે ઇઝરાયલે લેબૅનન પર કરેલા હુમલાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન માનવાથી ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘અમે ક્યારેય યુદ્ધવિરામની ડીલમાં લેબૅનનને સામેલ કરવાનું કોઈ ઇન્ડિકેશન આપ્યું નહોતું.’

બીજી તરફ ઈરાને દાવો કર્યો હતો કે સીઝફાયરના ૧૦ મુદ્દાઓમાં લેબૅનનમાં શાંતિ એ પણ મહત્ત્વનો મુદ્દો હતો. ઈરાનની પાર્લમેન્ટના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલીબાફે દાવો કર્યો હતો કે ‘અમેરિકાએ ૩ પ્રૉમિસ પાળ્યાં નહીં. આ ૩ મુદ્દાઓ હતા લેબૅનન પર હુમલા બંધ કરવા, ઈરાની ઍરસ્પેસમાં ઘૂસનારાં ડ્રોન બંધ થવા અને ઈરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારને અકબંધ રાખવો.’

આ ત્રણેય મુદ્દાઓ બાબતે જે. ડી. વૅન્સે કહ્યું હતું કે ‘અમે લેબૅનન અને યુરેનિયમ સંવર્ધનના મુદ્દે અસહમતી જ દાખવી હતી. હા, સીઝફાયર ઘો‌ષિત થયા પછી ઈરાન પર ડ્રોન હુમલો થયો. જોકે યુદ્ધવિરામના અમલ વખતે શરૂઆતમાં આવી ગરબડો થાય એ સ્વાભાવિક છે. જોકે મોહમ્મદ બાઘેર સાથે અંગ્રેજીમાં થઈ રહેલી કેટલીક વાતો અમને સમજાઈ નહોતી રહી.’

શું પાકિસ્તાને બાજી બગાડી?

અસ્થાયી સીઝફાયરમાં લેબૅનનને સામેલ કરવાને લઈને જે વિવાદ થયો છે એમાં હવે પાકિસ્તાન પર જવાબદારી નાખવામાં આવી રહી છે. પાકિસ્તાને પોતે આ મામલે મધ્યસ્થી કરી હતી, પરંતુ પાકિસ્તાને બન્ને પક્ષોને અલગ-અલગ સંદેશા આપ્યા હોવાથી ગેરસમજ ઊભી થઈ હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તો પોતાના જાહેર નિવેદનમાં સ્પષ્ટ લખ્યું હતું કે અમેરિકા અને ઈરાન પોતાના સહયોગીઓ સાથે લેબૅનન સહિત તત્કાળ યુદ્ધવિરામ પર સહમત થયા છે.

જોકે ઇઝરાયલે સમાધાનનું સ્વાગત કરીને સ્ષષ્ટતા કરી હતી કે લેબૅનન આ સમાધાનનો હિસ્સો નથી. દુનિયાને કોઈ ખોટો સંદેશો ન જાય એ માટે ઇઝરાયલે હિઝબુલ્લા પર થોડા જ કલાકોમાં ભીષણ હુમલો ઠોકી દીધો હતો.

વાર્તાલાપની શરૂઆત છતાં ઈરાનના માથે ડોનલ્ડ ટ્રમ્પે મૂકી લટકતી તલવાર

ઈરાન પાસેથી અમેરિકી સેના હટશે નહીં, વાસ્તવિક સમાધાન ન થયું તો ફરીથી આક્રમણ ચાલુ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર ઈરાનના માથે લટકતી તલવાર રાખીને લખ્યું હતું કે ‘ઈરાનને તબાહ કરવા માટે તહેનાત કરવામાં આવેલાં જહાજો, વિમાનો અને સૈન્યને ઈરાન અને ઈરાનની આસપાસના વિસ્તારોમાં જ રાખવામાં આવશે. જ્યાં સુધી વાતચીત થકી વાસ્તવિક સમાધાન લાગુ નહીં થાય ત્યાં સુધી સૈન્ય પોતાની જગ્યાએથી હલશે પણ નહીં. જો કોઈ પણ કારણોસર સમાધાન ન થયું તો ફરી ગોળીબાર શરૂ થઈ જશે. એ અત્યાર સુધી થયું એના કરતાં મોટું, વધુ ખતરનાક અને ઈરાનની કમર ભાંગી નાખનારું હશે. સમાધાન વાર્તા દરમ્યાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલ્લો રહેશે અને ન્યુક્લિયર વેપન્સની તૈયારી પર પૂર્ણવિરામ રહેશે. આ સમય દરમ્યાન અમારી ગ્રેટ મિલિટરી આરામ કરશે અને નવા જંગ માટે તૈયારીઓ કરશે.’

international news world news united states of america middle east crisis iran israel lebanon donald trump