✕

અમેરિકાએ ઇન્ફોસિસ, ‌વિપ્રો અને તાતા સહિત ૮ IT કંપનીઓને વીઝા-પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી

10 October, 2026 10:14 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમે‌રિકાએ જેમાંથી ભારતીય કંપનીઓને સસ્પેન્ડ કરી એ PERM પ્રોગ્રામ શું છે?

ફાઇલ તસવીર

અમેરિકામાં ભારતીય ટેક્નૉલૉજી કંપનીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અમેરિકન પ્રશાસને ઇન્ફોસિસ, તાતા, વિપ્રો, HCL, કૉગ્નિઝન્ટ અને કેપજેમિની સહિત ૮ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીઓને પર્મનન્ટ લેબર સ‌ર્ટિ‌ફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ પ્રતિબંધિત કંપનીઓની યાદીમાં માઇક્રોસૉફ્ટ અને અડોબી પણ સામેલ છે. શ્રમપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે વિવિધ તપાસ ચાલી રહી હોવાને કારણે આ કંપનીઓના નવાં તેમ જ પેન્ડિંગ રહેલાં તમામ વીઝા-આવેદનોની પ્રક્રિયા પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે. વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે માઇક્રોસૉફ્ટ પર આ સિસ્ટમનો મોટા પાયે દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કંપનીએ યોગ્ય ઉમેદવાર ન મળવાનું બહાનું આપીને ૬૦૦૦ અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા અને તેમની જગ્યાએ H-1B વીઝા દ્વારા વિદેશી કર્મચારીઓને નોકરી આપી દીધી. દર વર્ષે મંજૂર થતા H-1B વીઝામાં ભારતીયોનો હિસ્સો ૭૦ ટકાથી વધુ હોય છે તેથી રોજગારની માગણી કરતા ભારતીય પ્રોફેશનલ્સ પર આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની વ્યાપક અસર પડશે.

અમે‌રિકાએ જેમાંથી ભારતીય કંપનીઓને સસ્પેન્ડ કરી એ PERM પ્રોગ્રામ શું છે?

અમેરિકન સરકારે ઇન્ફોસિસ, તાતા, વિપ્રો, HCL અને કૉગ્નિઝન્ટ સહિતની મોટી ભારતીય અને વૈશ્વિક IT કંપનીઓને પર્મનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ આરોપ લગાવ્યો હતો કે આ કંપનીઓ અમેરિકનોની નોકરીઓ છીનવીને વિદેશી કામદારોને આપી રહી છે, જેના કારણે અમેરિકાના નાગરિકો સાથે મોટી છેતરપિંડી થઈ રહી છે. આ નિર્ણયને કારણે અમેરિકામાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) મેળવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

કાર્યવાહીનું કારણ : અમેરિકાના શ્રમસચિવના જણાવ્યા મુજબ વિદેશી કામદારોની નિર્ભરતા ઘટાડીને અમેરિકન કામદારોને પ્રાથમિકતા આપવા માટે આ પગલું લેવાયું છે.

PERM શું છે? : PERM એ એક એવી સિસ્ટમ છે જેના દ્વારા કંપનીઓ પોતાના વિદેશી કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ સ્પૉન્સર કરતાં પહેલાં લેબર સર્ટિફિકેશન મેળવે છે. એ H-1B વીઝાથી અલગ પ્રક્રિયા છે.

ભારતીયો પર અસર : ભારતીયો માટે ગ્રીન કાર્ડનો વેઇટિંગ પિરિયડ પહેલેથી જ દાયકાઓ લાંબો છે. હવે આ સસ્પેન્શનને કારણે નવી અરજીઓ થઈ શકશે નહીં, જેનાથી ગ્રીન કાર્ડની કતારમાં તેમનું સ્થાન (પ્રાયોરિટી ડેટ) નિશ્ચિત કરવામાં વિલંબ થશે.

H-1B વીઝા પર ખતરો : જે કર્મચારીઓ તેમના H-1B વીઝાની ૬ વર્ષની મર્યાદા પૂરી કરી રહ્યા છે અને જેમની PERM પ્રક્રિયા શરૂ નથી થઈ તેમને અમેરિકા છોડવાનો વારો આવી શકે છે.

કંપનીઓની સ્થિતિ : હવે ટેક્નૉલૉજી ક્ષેત્રની અનેક મોટી દિગ્ગજ કંપનીઓ પણ અમેરિકન સરકારની કડક તપાસનો સામનો કરી રહી છે.

ગ્રીન કાર્ડ વિશે ટ્રમ્પ-પ્રશાસનના નિર્ણયથી બન્ને દેશોના સંબંધોને અસર પડશે : ભારત

ભારતે શુક્રવારે ડોનલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના ગ્રીન કાર્ડને લગતા નિર્ણય વિશે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે આ નિર્ણયથી બન્ને દેશોની સમાન મહત્ત્વાકાંક્ષાઓને કોઈ જ ફાયદો થશે નહીં. અમેરિકાએ ભારતીય IT કંપનીઓને એના પર્મનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કર્યાના એક દિવસ બાદ વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વૅન્સની ટિપ્પણીનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના ‌વિદેશમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે PERM અને H-1B વીઝા-પ્રોગ્રામ બન્ને અલગ-અલગ છે. PERMની અરજીઓ સસ્પેન્ડ થવાથી હાલના H-1B વીઝાની માન્યતા અથવા વીઝાધારકો અને તેમના આશ્રિતોના સ્ટેટસ પર કોઈ સીધી અસર નહીં પડે. જોકે એનાથી પ્રભાવિત કંપનીઓના કર્મચારીઓની ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં ચોક્કસ અસર પડી શકે છે. ‌વિદેશમંત્રાલયે નોંધ્યું હતું કે ટૅલન્ટ મોબિલિટી એટલે કે પ્રતિભાઓની અવરજવરથી બન્ને દેશોની અર્થવ્યવસ્થામાં મૂલ્ય ઉમેરાય છે. 

united states of america india information technology act international news world news news