09 February, 2026 07:44 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના અન્ડર-સેક્રેટરી ઑફ સ્ટેટ થૉમસ જી. ડીનાનોએ દાવો કર્યો હતો કે ચીને ૨૦૨૦માં ભારત સાથેની ગલવાન અથડામણના થોડા દિવસો પછી બાવીસ જૂને ગુપ્ત રીતે પરમાણુ વિસ્ફોટક પરીક્ષણો કર્યાં હતાં, જેમાં સેંકડો ટનમાં નિર્ધારિત ઊપજ સાથે પરીક્ષણોની તૈયારીનો સમાવેશ થાય છે. ચીને એની પ્રવૃત્તિઓ છુપાવવા માટે ભૂકંપ-દેખરેખની અસરકારકતા ઘટાડવા માટે ડીકપ્લિંગનો ઉપયોગ કર્યો હતો.
એવું જાણવા મળે છે કે આ ટેસ્ટ શિનજિયાંગ ક્ષેત્રની લોપ નૂર સાઇટ પર કરવામાં આવી હતી જે ભારતીય સરહદની પાસે છે.
૨૦૨૦માં જ્યારે દુનિયા કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહી હતી ત્યારે ૧૫ જૂનના દિવસે ગલવાનમાં હિંસક અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ સિવાય ૩૦થી વધુ ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા.
શુક્રવારે જીનિવામાં યુનાઇટેડ નેશન્સમાં એક કાર્યક્રમમાં ડીનાનોએ આ આરોપ લગાવ્યો હતો. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે આખરી પરમાણુ હથિયાર સંધિ પાંચમી ફેબ્રુઆરીએ ખતમ થઈ ચૂકી છે અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ભવિષ્યની કોઈ પણ સંધિમાં ચીનને સામેલ કરવા માગે છે.
ડીકપ્લિંગ એક એવી પદ્ધતિ છે જેનો હેતુ ભૂકંપ-દેખરેખને નબળી બનાવવા માટે કરવામાં આવે છે અને ન્યુક્લિયર પ્રવૃત્તિઓ છુપાવવામાં આવે છે. આમાં વિસ્ફોટ જમીનમાં એક ઊંડી ગુફામાં કરવામાં આવે છે, જેથી ભૂકંપીય તરંગો કમજોર પડી જાય છે. આમ પરમાણુ પરીક્ષણોને દુનિયાથી છુપાવવામાં આવે છે.