રશિયા કીવ પર અટૅક કરવા બે લાખ જવાનોની નવી આર્મી ઊભી કરી રહ્યું છે

17 December, 2022 08:48 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

યુક્રેને ગઈ કાલે રશિયા દ્વારા ફાયર કરવામાં આવેલાં ૭૬માંથી ૬૦ મિસાઇલને તોડી પાડ્યાં

યુક્રેનનાં સિટી ક્રયવી રિહમાં ગઈ કાલે સવારે રશિયન મિસાઇલ ત્રાટક્યા બાદ એક મકાનના કાટમાળમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

રશિયા આવતા વર્ષની શરૂઆતના મહિનાઓમાં વધુ એક વખત કીવ પર મોટા પાયે હુમલા કરી શકે છે. યુક્રેનના આર્મ્ડ ફોર્સિસના કમાન્ડર-ઇન-ચીફે આ શક્યતા વ્યક્ત કરી હતી. 
અત્યારે મોટા ભાગે પૂર્વ અને દ​િક્ષણ યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ જનરલ વલેરિય ઝલુઝનીએ કહ્યું હતું કે યુક્રેનની રાજધાની કીવને વધુ એક વખત ટાર્ગેટ કરવામાં આવશે.

તેમણે ગુરુવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રશિયા અત્યારે ખૂબ જ મહત્ત્વની વ્યૂહાત્મક કામગીરીમાં રિઝર્વ ફોર્સિસને ઊભી કરીને તેમને યુદ્ધ માટે તૈયાર કરવા ઇચ્છે છે. આ યુદ્ધ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન યોજાઈ શકે છે. રશિયનો અંદાજે બે લાખની નવી આર્મી તૈયાર કરી રહ્યા છે. મને કોઈ શંકા નથી કે તેઓ વધુ એક વખત કીવ મેળવવાની કોશિશ કરશે.’

દરમ્યાન, યુક્રેને ગઈ કાલે રશિયા દ્વારા ફાયર કરવામાં આવેલાં ૭૬માંથી ૬૦ મિસાઇલને તોડી પાડ્યાં હતાં. જનરલ વલેરિયે જણાવ્યું હતું કે ‘પ્રાથમિક ડેટા અનુસાર ગઈ કાલે સવારે કૅસ્પિયન અને બ્લૅક સી એરિયામાંથી દુશ્મને ૭૬ મિસાઇલ છોડ્યાં હતાં. એમાં ૭૨ ક્રૂઝ મિસાઇલ અને ચાર ગાઇડેડ ઍર મિસાઇલ હતાં જેના ટાર્ગેટ પર યુક્રેનનું મહત્ત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું.’

international news russia ukraine