25 August, 2025 08:34 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
યુક્રેને રવિવારે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો
યુક્રેને રવિવારે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો અને રશિયાના કુર્સ્કમાં આવેલા સૌથી મોટા પરમાણુ પાવરપ્લાન્ટમાંથી એકને નિશાન બનાવવામાં આવ્યો હતો. યુક્રેનના ડ્રોન હુમલાને કારણે કુર્સ્ક પરમાણુ પાવરપ્લાન્ટમાં આગ લાગી હતી, એક ટ્રાન્સફૉર્મરને નુકસાન થયું હતું અને પ્લાન્ટના એક યુનિટની કાર્યકારી ક્ષમતા ઘટી ગઈ હતી. યુક્રેનના હુમલા પછી રશિયન જવાબી હુમલાની શક્યતા છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન એનો ૩૪મો સ્વતંત્રતાદિવસ (૨૪ ઑગસ્ટ) ઊજવી રહ્યું છે. યુક્રેન ૧૯૯૧માં સોવિયેટ સંઘથી અલગ થયું હતું. યુક્રેને કથિત હુમલા અંગે તાત્કાલિક ટિપ્પણી કરી નથી.
પ્લાન્ટના અકાઉન્ટમાંથી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ડ્રોન પડતાંની સાથે જ વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. જોકે રેડિયેશનનું સ્તર સામાન્ય હતું અને કોઈ જાનહાનિ થઈ નથી. રશિયન અધિકારીઓએ કહ્યું છે કે યુક્રેનના હુમલા પછી પશ્ચિમ કુર્સ્કમાં પરમાણુ પાવરપ્લાન્ટમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. રાત્રિના હુમલામાં અનેક પાવર અને ઊર્જા-સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.
ઝેલેન્સ્કી સાથે મુલાકાતનું કોઈ આયોજન નથી : રશિયાના વિદેશપ્રધાન
રશિયન વિદેશપ્રધાન સેર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે હાલમાં મુલાકાતનું કોઈ આયોજન થયું નથી. શાંતિ-વાટાઘાટો માટેનો એજન્ડા સંપૂર્ણપણે તૈયાર હોય તો જ રાષ્ટ્રપતિ પુતિન ઝેલેન્સ્કીને મળવા તૈયાર છે, પણ હજી સુધી એવું નથી. મુલાકાત માટે હજી કોઈ એજન્ડા નક્કી નથી.
યુક્રેનને મોટો ઝટકો : રશિયા સામેના યુદ્ધમાં હવે અમેરિકાનાં મિસાઇલો નહીં વાપરી શકે
અમેરિકાએ યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે અમેરિકાનાં મિસાઇલો વાપરવાની ના પાડી દીધી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે એવી સૂચના આપી છે કે અમેરિકા દ્વારા નિર્મિત લાંબા અંતરની આર્મી ટૅક્ટિકલ મિસાઇલ સિસ્ટમ્સ (ATACMS)નો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે. આના કારણે મૉસ્કોના આક્રમણ સામે એના બચાવમાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવાની યુક્રેનની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે. વૉલ સ્ટ્રીટ જર્નલે શનિવારે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ અહેવાલ આપ્યો હતો. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ત્રણ વર્ષ જૂના યુદ્ધમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિકરાર કરાવવામાં તેમની અસમર્થતા પર જાહેરમાં હતાશ થયા છે. વ્લાદિમીર પુતિન સાથેની તેમની મીટિંગ અને ત્યાર બાદ યુરોપિયન નેતાઓ અને યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં જોઈએ એવી પ્રગતિ ન થવાથી ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ ફરી રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા છે.