સુનકે બ્રિટનના લોકોને મુશ્કેલ નિર્ણયો માટે તૈયાર રહેવા જણાવ્યું

26 October, 2022 09:03 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

કિંગ ચાર્લ્સે ભારતીય મૂળના નેતાને યુકેના ૫૭મા વડા પ્રધાન તરીકે સરકારની રચના કરવા આમંત્રણ આપ્યું

લંડનમાં ગઈ કાલે બકિંગહૅમ પૅલૅસમાં રિશી સુનકને આવકારતા યુકેના કિંગ ચાર્લ્સ તૃતીય

રિશી સુનક ગઈ કાલે બ્રિટનના વડા પ્રધાન બન્યા હતા. કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા તેમને સરકાર રચવા માટે કહેવામાં આવ્યું હતું. સુનક બકિંગહૅમ પૅલૅસમાં કિંગને મળ્યા હતા. કિંગે એના થોડા જ સમય પહેલાં લિઝ ટ્રસનું રાજીનામું સ્વીકાર્યું હતું. સોમવારે ઐતિહાસિક રીતે સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ ગઈ કાલે સવારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ફાઇનલ કૅબિનેટ મીટિંગનાં અધ્યક્ષ રહ્યાં હતાં, જેના પછી તેમણે બકિંગહૅમ પૅલેસમાં જઈને તેમનું રાજીનામું સોંપ્યું હતું.

સુનક એ પછી કિંગની સાથે મુલાકાત કરવા આ પૅલૅસમાં આવ્યા હતા, જેના પછી કિંગે તેમને યુકેના ૫૭મા વડા પ્રધાન તરીકે સરકારની રચના કરવા આમંત્રણ આપ્યું હતું.

૪૨ વર્ષના સુનક હિન્દુ છે અને તેઓ છેલ્લાં ૨૧૦ વર્ષમાં સૌથી નાની વયના બ્રિટિશ વડા પ્રધાન છે. તેઓ બ્રિટનના પહેલા હિન્દુ વડા પ્રધાન પણ છે.

સુનકે ડાઉનિંગ સ્ટ્રીટથી દેશને સંબોધન કર્યું હતું. પોતાની સ્પીચમાં તેમણે અત્યારની ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરવા માટે મુશ્કેલ નિર્ણયો લેવામાં આવશે એવી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું સમજું છું કે બ્રિટનવાસીઓ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.’

નોંધપાત્ર છે કે ભૂતકાળમાં તેમના પર એવો કટાક્ષ કરવામાં આવ્યો છે કે તેઓ ખૂબ ધનવાન હોવાના કારણે તેઓ સામાન્ય લોકોની તકલીફો ન સમજી શકે તો એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘હું સંપૂર્ણપણે સમજું છું કે સ્થિતિ કેટલી મુશ્કેલ છે.’

બોરિસ જૉન્સન પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણીમાં જનાદેશ કોઈ એક ચોક્કસ વ્યક્તિને નહોતો મળ્યો.

સુનકે સ્પષ્ટ જણાવ્યું હતું કે લિઝ ટ્રસ દ્વારા ભૂલો કરવામાં આવી હતી. જોકે એની પાછળ કોઈ ખરાબ ઇરાદો નહોતો. હવે એ ભૂલોને સુધારવા માટે મારી પાર્ટીના નેતા અને તમારા વડા પ્રધાન તરીકે મને ચૂંટી કાઢવામાં આવ્યો છે. કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. આ સરકારના એજન્ડાના કેન્દ્રસ્થાને આર્થિક સ્થિરતા રહેશે. એનો અર્થ એ છે કે મુશ્કેલ નિર્ણયો લેવામાં આવશે.

અર્થતંત્રને પાટા પર લાવવાનો પડકાર 
સુનક માટે અત્યારે અનેક પડકારો છે કેમ કે યુકેમાં મોંઘવારી ચરમસીમાએ છે. માનવામાં આવી રહ્યું છે કે સુનક તેમની કૅબિનેટમાં ટ્રસની જેમ માત્ર પોતાની છાવણીના નેતાઓને જ પ્રમોટ કરવાના બદલે યોગ્યતાના આધારે સ્થાન આપશે. બ્રિટનમાં મોંઘવારી ચરમસીમાએ છે. એનો દર દસ ટકા કરતાં વધી ગયો છે. એનર્જીના દરો વધી ગયા છે. અનાજની કિંમતો પણ વધી ગઈ છે. મોંઘવારીની સામે કમાણીમાં ઘટાડો થયો છે. હવે સુનકે મોંઘવારી અને મંદીની અસરોને નાબૂદ કરવા નક્કર પગલાં લેવાં પડશે. 

international news united kingdom london prince charles