હવે કૂતરાને ફેરવવા લઈ જતાં ફસાયા યુકેના પીએમ સુનક

16 March, 2023 12:35 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

મધ્ય લંડનમાં પાર્કના નિયમોનો ભંગ કરતા વડા પ્રધાન અને તેમના પરિવારને કૅમેરામાં કૅપ્ચર કરવામાં આવ્યા હતા

લંડનના હાઇડ પાર્કમાં ડૉગ નોવા સાથે યુકેના વડા પ્રધાન રિશી સુનક.

લંડન : યુકેના વડા પ્રધાન રિશી સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિને પોલીસે રૂલ્સ યાદ અપાવ્યા હતા. તેઓ લંડનના હાઇડ પાર્કના એક એરિયામાં તેમના ડૉગને વૉક કરાવતા જોવા મળ્યાં હતાં કે જ્યાં કૂતરાને ખુલ્લામાં ફરવાની મંજૂરી નથી. મધ્ય લંડનમાં આ પાર્કના નિયમોનો ભંગ કરતા વડા પ્રધાન અને તેમના પરિવારને કૅમેરામાં કૅપ્ચર કરવામાં આવ્યા હતા.

ટિકટૉક પર પોસ્ટ કરવામાં આવેલી એક ક્લિપમાં સુનકનો બે વર્ષનો લેબ્રેડૉર રિટ્રાઇવર નોવા સેરપેન​ટિન લેકની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. એ એરિયામાં ચોક્કસ સૂચના જાહેરમાં લગાડવામાં આવી છે કે સ્થાનિક વાઇલ્ડલાઇફને ડિસ્ટર્બ ન થાય એટલા માટે ડૉગને ચેઇનની સાથે બાંધવો જોઈએ. 

આ વિડિયો સંબંધમાં મેટ્રોપૉલિટન પોલીસ ફોર્સે કહ્યું હતું કે ‘એ સમયે હાજર એક ઑફિસરે એક મહિલા સાથે વાત કરી હતી અને તેમને રૂલ્સની યાદ અપાવી હતી.’ તેમણે સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિના સંબંધમાં એમ કહ્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે આ ડૉગને એ પછી ચેઇનની સાથે બાંધવામાં આવ્યો હતો અને તેઓ આ મામલે વધુ ઍક્શન લેશે નહીં. એ સ્પષ્ટ નથી કે આ વિડિયો ક્યારે કૅપ્ચર કરવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં વડા પ્રધાનને ચાલુ કારમાં સીટબેલ્ટ ન પહેરવા બદલ પોલીસે દંડ ફટકાર્યો હતો. સુનકે એ બદલ માફી માગી હતી. એટલું જ નહીં, ગયા વર્ષે કોરોનાને ફેલાતો રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના નિયમોને તોડીને એક પાર્ટી અટેન્ડ કરવા બદલ તેમને દંડ કરવામાં આવ્યો હતો.

international news rishi sunak london uk prime minister united kingdom