27 April, 2025 01:23 PM IST | London | Gujarati Mid-day Correspondent
વિરોધ-પ્રદર્શન
લંડનમાં ભારતીય મૂળના લોકોએ શુક્રવારે પાકિસ્તાન દૂતાવાસની બહાર પહલગામ અટૅકનો વિરોધ કરવા માટે પ્રદર્શન કર્યું ત્યારે પાકિસ્તાની સેનાના કર્નલ તૈમૂર રાહતે હાઈ કમિશનની બાલ્કનીમાંથી આશરે ૫૦૦ ભારતીય પ્રદર્શનકારીઓને જોઈને શરમજનક રીતે ગળું ચીરી નાખવાનો હાવભાવ પ્રદર્શિત કર્યો હતો. તૈમૂર રાહત પાકિસ્તાની હાઈ કમિશનમાં આર્મી અને ઍરફોર્સ સલાહકારના રૂપમાં કામ કરે છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ પણ થયો છે.
પહલગામ આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે, પણ પાકિસ્તાનને એની જરા પણ પરવા નથી. સેંકડો લોકોની સામે તૈમૂરે ગળું કાપવાનો ઇશારો કર્યો અને એ વિડિયોમાં કેદ થયો હતો. આ હરકતથી ભારતીયોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતીય સમુદાયના પ્રદર્શન સામે આ ઉશ્કેરણીજનક વર્તન કરવામાં આવ્યું હતું.
વળી તૈમૂર રાહતના હાથમાં જે પ્લૅકાર્ડ હતું એમાં ભારતીય વિન્ગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવવામાં આવી હતી. ૨૦૧૯માં અભિનંદનનું પ્લેન પાકિસ્તાનમાં ક્રૅશ થયું ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી, પણ પાકિસ્તાને માત્ર ૨૪ કલાકમાં તેને ભારતને સુપરત કરવો પડ્યો હતો.
તૈમૂર રાહતની આ હરકત ભારતીયોને ઉશ્કેરવા અને ડરાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે અને આ ઘટનાની વ્યાપકપણે નિંદા થઈ રહી છે.