09 November, 2022 04:52 PM IST | London | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ભાગેડુ નીરવ મોદી (Fugitive Nirav Modi)ને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. બ્રિટન (Britain)ની હાઈકોર્ટે પ્રત્યર્પણને લીલી ઝંડી આપી દીધી છે. પ્રત્યાર્પણ (Nirav Modi Extradition) રોકવાની અપીલ કરતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે નીરવનું પ્રત્યાર્પણ કોઈપણ રીતે અન્યાયી કે દમનકારી નહીં હોય.
ભારત લાંબા સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે, પરંતુ બ્રિટનમાં આશરો લઈ રહેલો નીરવ મોદી એ કાર્યવાહીથી બચવા માટે સતત અલગ-અલગ તરકીબો અપનાવી રહ્યો છે. યુકે હાઈકોર્ટમાં નીરવના વકીલો જણાવી રહ્યા છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જે પરિસ્થિતિ છે ત્યાં આત્મહત્યા પણ કરી શકે છે. આ તર્કના આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ યુકે હાઈકોર્ટે સંપૂર્ણ સુનાવણી બાદ નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે.
આ પહેલાં પણ જ્યારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ રોબર્ટએ ભારપૂર્વક કહ્યું હતું કે બ્રિટન સાથે ભારતના સારા સંબંધો છે અને 1992ની ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિનું સન્માન કરવું જરૂરી છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે વેસ્ટમિન્સ્ટર કોર્ટે ગયા વર્ષે પ્રત્યાર્પણને લઈને આપેલો નિર્ણય સાચો હતો. અદાલતે એવી પણ દલીલ કરી છે કે આત્મહત્યાની ધમકી પ્રત્યાર્પણ સામેનું કારણ બની શકે નહીં.
હજુ સુધી નીરવ મોદીની ટીમે હાઈકોર્ટના આ નિર્ણય પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. 14 દિવસની અંદર નીરવ મોદીએ ત્યાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડશે.
આ પણ વાંચો: જયશંકર મધ્યસ્થી કરવા મૉસ્કો પહોંચ્યા?