26 January, 2026 08:42 AM IST | UAE | Gujarati Mid-day Correspondent
UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સરકારે એની જેલોમાં બંધ ૯૦૦થી વધુ કેદીઓની યાદી ભારતને સોંપી છે. કેદીઓનાં નામની યાદી અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને આપવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં જાહેર કરાયેલા આદેશ હેઠળ ૯૦૦થી વધુ ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવશે.
UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સહિત અનેક દેશોના કેદીઓની મુક્તિ માટે આ આદેશ જાહેર કર્યો હતો. આ મુક્તિ એવા સમયે આવી છે જ્યારે UAE અને ભારત વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. UAEના પ્રેસિડન્ટે તાજેતરમાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
ગયા વર્ષે ૨૭ નવેમ્બરે UAEના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદે જાહેરાત કરી હતી કે તેમના દેશની જેલોમાં બંધ ૨૯૩૭ કેદીઓને ઈદ અલ-ઇત્તિહાદ (UAE રાષ્ટ્રીય દિવસ) પર મુક્ત કરવામાં આવશે. ઈદ અલ-ઇત્તિહાદ UAEનો રાષ્ટ્રીય ઉત્સવ છે જે બીજી ડિસેમ્બરે આવે છે. ૧૯૭૧માં આ દિવસે ૭ એમિરેટ્સ એક ધ્વજ હેઠળ એક થયાં હતાં.
UAE સરકારે આ કેદીઓ માટે દંડ ચૂકવી દીધો છે, જેના કારણે તેઓ કોઈ પણ નાણાકીય બોજ વિના તેમના વતન પાછા ફરવા સક્ષમ બન્યા છે. ઘણા ભારતીય પરિવારોને આ દંડ ચૂકવવામાં મુશ્કેલી પડી છે, જે વીઝા ઓવરસ્ટે, નાના મજૂર-વિવાદો અથવા નાણાકીય ડિફૉલ્ટને કારણે લાદવામાં આવ્યો હતો. UAE સરકારે જણાવ્યું હતું કે આ પહેલ સ્થિરતા, સામાજિક એકતા અને પુનર્વસન તકોને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.