05 June, 2026 09:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ૪ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન સંસદમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રૅટ્સની આગેવાની હેઠળ સંસદે વૉર પાવર્સ ઍક્ટનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત કોઈ પણ દેશ સામે યુદ્ધ છેડવાના રાષ્ટ્રપતિના પાવર્સ પર લગામ મૂકવામાં આવી છે. આ વોટિંગ દરમ્યાન ટ્રમ્પને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમની રિપબ્લિકન પાર્ટીના ૪ સંસદસભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં વોટ આપ્યો હતો.
બુધવારે થયેલા આ ઐતિહાસિક વોટિંગમાં પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ અને વિરુદ્ધમાં ૨૦૮ મત પડ્યા હતા. જોકે ડેમોક્રૅટ્સ માટે આ જીત હાલ પૂરતી માત્ર સાંકેતિક જ હશે. આ પ્રસ્તાવને કાયદો બનાવવા માટે હજી સેનેટની મંજૂરી જરૂરી છે, જ્યાં રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં છે. એ ઉપરાંત જો બન્ને ગૃહોમાંથી આ પ્રસ્તાવ પાસ થઈ પણ જાય તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે એને ફગાવી દેવાનો વીટો પાવર છે.
૧૯૭૩ના ‘વૉર પાવર્સ ઍક્ટ’ મુજબ જો દેશ પર કોઈ તાત્કાલિક ખતરો ન હોય અને રાષ્ટ્રપતિ સેના મોકલે તો તેમણે ૬૦ દિવસની અંદર સંસદની મંજૂરી લેવી પડે અથવા સેના પાછી બોલાવવી પડે. જોકે વિદેશપ્રધાન માર્કો રુબિયો અને રક્ષાપ્રધાન પીટ હેગસેથનો દાવો છે કે ૮ એપ્રિલથી બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ છે એથી ટેક્નિકલી અત્યારે કોઈ યુદ્ધ ચાલુ નથી.