13 December, 2023 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી ઓફિસ (ફાઈલ ફોટો)
મુંબઈ ઃ બીએમસીમાં અઢી દાયકાથી ઉદ્ધવ ઠાકરે જૂથની સત્તા છે ત્યારે તેમને ઘેરવા માટે રાજ્ય સરકારે ગઈ કાલે મોટો નિર્ણય લીધો હતો. આ પચીસ વર્ષ દરમ્યાન બીએમસીમાં કરવામાં આવેલા આર્થિક વ્યવહારની તપાસ કરવા માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી હતી. આ કમિટી ઑડિટ કરશે અને એનો રિપોર્ટ જાહેર કરશે. બીએમસીમાં કોવિડના સમયમાં મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા કરવાના મામલા સામે આવ્યા છે ત્યારે સરકારના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે જૂથ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મુંબઈ બીએમસીમાં આર્થિક વ્યવહાર કરતી વખતે અનેક ગોટાળા કરવામાં આવ્યા હોવાનો પ્રશ્ન સોમવારે વિધાનસભ્યોની મળેલી બેઠકમાં ઉપસ્થિત થયો હતો. વિધાનસભ્યોએ બીએમસીની આર્થિક સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરવાની સાથે છેલ્લાં પચીસ વર્ષમાં અનેક શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે એટલે એની તપાસ કરવાની માગણી કરી હતી. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની આર્થિક વ્યવહારની ચિંતાના પ્રશ્નો મારી સમક્ષ આવતાં મેં ત્રણ સભ્યોની કમિટી બનાવી છે, જે બીએમસી દ્વારા ૨૫ વર્ષમાં આર્થિક વ્યવહાર કરવામાં આવ્યા હતા એની તપાસ કરશે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ શ્વેતપત્રિકા જાહેર કરવામાં આવશે.’
વિરોધ પક્ષે મુંબઈની જેમ પુણે, નાગપુર અને કલ્યાણ-ડોમ્બિવલી સુધરાઈની પણ આવી જ રીતે તપાસ કરવાની માગણી કરી છે તો અહીં પણ આવી તપાસ કરવામાં આવશે? એવા સવાલના જવાબમાં ઉદય સામંતે કહ્યું હતું કે ‘આ મહાનગરપાલિકાઓની તપાસ કરવાનું અત્યારે કોઈ કારણ નથી દેખાતું. જરૂરી લાગશે તો એમની પણ તપાસ હાથ ધરવામાં આવશે.’
ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય વિનાયક રાઉતે સરકારના બીએમસીની તપાસ કરવાના નિર્ણય વિશે કહ્યું હતું કે ‘સરકારે અમારા કાર્યકાળની જ શું કામ, તેમના બે વર્ષના કામનું પણ ઑડિટ કરવું જોઈએ. સરકારમાં હિંમત હોય તો મુંબઈ બીએમસીની ચૂંટણી જાહેર કરો, જનતા જ તમારું ઑડિટ કરી દેશે. ચૂંટણી નજીક છે ત્યારે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.’
ભુજબળને ત્યાં પેંડા ખાવા જઈશ
કૅબિનેટ પ્રધાન છગન ભુજબળ સામેની મહારાષ્ટ્ર સદનના કેસની તપાસ પાછી ખેંચી લેવામાં આવી છે. આ વિશે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ટિપ્પણી કરી હતી. છગન ભુજબળ સામેનો દિલ્હી ખાતેના મહારાષ્ટ્ર સદનમાં ભ્રષ્ટાચાર કરવાનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે એ વિશે પત્રકારોએ સવાલ કરતાં નાગપુરમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ થયા બાદ છૂટી જનારા છગન ભુજબળ સામેનો ભ્રષ્ટાચારનો મામલો પણ ઈડીએ પાછો ખેંચી લીધો છે. આથી હું તેમને ત્યાં પેંડા ખાવા જઈશ. સરકારમાં સામેલ થયા બાદ ભ્રષ્ટાચારના કેસ પાછા ખેંચી લેવામાં આવે છે એ છગન ભુજબળના મામલાથી સ્પષ્ટ થયું. આવી જ રીતે ઇકબાલ મિર્ચીની મિલકત ખરીદનારા પ્રફુલ પટેલ સામેના આરોપ પણ ફગાવી નાખવામાં આવશે તો હું તેમને ત્યાં જમવા જઈશ. જોકે તેમને કહીશ કે ભોજનમાં મિર્ચી ઓછી નાખે.’
અકસ્માતમાં ૩૭૧ના જીવ ગયા
મુંબઈમાં રસ્તામાં થઈ રહેલા અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનો દાવો કૉન્ગ્રેસનાં મુંબઈ અધ્યક્ષા વર્ષા ગાયકવાડે ગઈ કાલે વિધાનસભામાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘એકલા મુંબઈમાં આ વર્ષે ૧૮૯૫ રોડ-અકસ્માત થયા છે, જેમાંથી ૩૫૫ અકસ્માત ગંભીર હતા અને ૩૭૧ લોકોના જીવ ગયા હતા. આ ચિંતાનો વિષય છે. આખા રાજ્યમાં રસ્તા અને ટ્રાફિક નિયમન પર મુંબઈમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આવી સ્થિતિ છે. નિયમોની અમલબજાવણી ન કરાતી હોવાથી અકસ્માત થઈ રહ્યા છે. સરકાર પાસે આની ઉપાય યોજના છે?’
એના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં રોડ-અકસ્માતમાં ૧૪૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સમય દરમ્યાન મુંબઈમાં ૧૩૨ અકસ્માત થયા હતા. આરટીઓ અધિકારીઓ અકસ્માતમાં ઘટાડો થાય એ માટે વાહનો તપાસ કરવાની ડ્રાઇવ ચલાવી રહ્યા છે.’
દીપક કેસરકર ખોટું બોલી રહ્યા છે
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય અનિલ પરબે ગઈ કાલે કહ્યું હતું કે રાજ્યના પ્રધાન દીપક કેસરકરે બાળાસાહેબ ઠાકરે વિશે ખોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા બાબતે વિધાનસભાના સ્પીકર સમક્ષ ચાલી રહેલી સુનાવણીમાં દીપક કેસરકરે કહ્યું હતું કે બાળાસાહેબ લોકશાહીમાં નહોતા માનતા અને તેમણે પક્ષમાં આંતરિક ચૂંટણીની પ્રક્રિયા ક્યારેય કરવા નહોતી દીધી. આ વિશે અનિલ પરબે પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘દીપક કેસરકર બાળાસાહેબ વિશે ખોટું બોલી રહ્યા છે. જેઓ બાળાસાહેબના વિચારને લઈને રાજકારણ કરી રહ્યા છે તેમના મોઢેથી બાળાસાહેબનું અપમાન થાય એવું નિવેદન કરવું બરાબર નથી. તેમણે આવું નિવેદન આપતાં પહેલાં માહિતી મેળવવી જોઈએ. બાળાસાહેબનું વ્યક્તિત્વ કેવું હતું અને તેઓ કેવી રીતે કામ કરતા હતા એ તેમણે જાણવું જોઈએ. બાળાસાહેબ કાયમ કહેતા કે ફાલતુ લોકશાહી તેમને સ્વીકાર્ય નથી. જોકે પક્ષની સ્થાપના થઈ ત્યારથી આંતરિક ચૂંટણી કરવાની પ્રક્રિયા ચાલતી જ હતી. આથી દીપક કેસરકર આ બાબતે ખોટું બોલી રહ્યા છે.’
સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે જોકે બાદમાં કહ્યું હતું કે ‘બાળાસાહેબનું અપમાન થાય એવું મેં કંઈ કહ્યું નથી. બાળાસાહેબ માટે મને ખૂબ રિસ્પેક્ટ છે. મેં તેમના વિશે કંઈ અયોગ્ય કહ્યું હોય તો અનિલ પરબ એ સાબિત કરે.’