05 May, 2025 11:03 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ઘણો વધી ગયો છે. ભારતમાં બેઠકો અને અન્ય કાર્યવાહીનો દોર ચાલુ છે ત્યારે પાકિસ્તાન પણ વિશ્વભરના મિત્ર દેશો સાથે મળીને તૈયારીઓ કરી રહ્યું છે. પાકિસ્તાનની ચીન અને ટર્કી જેવા દેશો સાથે સારી મિત્રતા રહી છે અને હવે આ દેશો પણ તેને ટેકો આપી રહ્યા છે. આ દરમ્યાન ટર્કીએ એક મોટું પગલું ભર્યું છે અને તેનું એક યુદ્ધજહાજ કરાચી મોકલ્યું છે. પાકિસ્તાન નૌસેનાએ રવિવારે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે ટર્કીના નૌકાદળનું જહાજ પાકિસ્તાન પહોંચ્યું છે.
કાશ્મીરમાં સૈનિકોની ટ્રક ૭૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી, ત્રણ જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH44) પર બૅટરી ચશ્મા નજીક ભારતીય સેનાની ટ્રક ૭૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ જવાન શહીદ થઈ ગયા હતા.
આ ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતી, જે ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જીવ ગુમાવનારાઓની ઓળખ સિપાહી અમિત કુમાર, સુજિત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે અને તેમના મૃતદેહો ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતને કારણે સેનાની ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.