24 September, 2026 04:44 PM IST | Ankara | Gujarati Mid-day Correspondent
રેસેપ તૈયપ એર્દોગન
ટર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને યુનાઇટેડ નૅશન્સ જનરલ અૅસેમ્બલી (UNGA)માં પોતાના સંબોધન દરમ્યાન ફરી એક વાર ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં એર્દોગને જણાવ્યું હતું કે કાશ્મીર સહિત દક્ષિણ એશિયાના તમામ વિવાદો યુનાઇટેડ નેશન્સ (UN) ચાર્ટર અને સંવાદના માધ્યમથી ઉકેલવા જોઈએ.
તાજેતરમાં જ ટર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે મક્કા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. ભારતના વારંવારના કડક વિરોધ છતાં એર્દોગન UNGAના મંચનો ઉપયોગ કરીને કાશ્મીર મુદ્દે ટિપ્પણીઓ કરતા રહ્યા છે. અગાઉ ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ તેમણે કાશ્મીરમાં ૮૦ લાખ લોકો બંધક હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ભારતે ટર્કી સાથેના સંરક્ષણ સંબંધો ઘટાડી દીધા હતા.