આખા જગત સમક્ષ ઝેલેન્સ્કી સાથે બાખડીને વાઇટ હાઉસમાંથી જમાડ્યા વગર કાઢી મૂક્યા ટ્રમ્પે

03 March, 2025 07:06 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રશિયા-યુક્રેન યુદ્ધના સમાધાન માટે યોજાયેલી મીટિંગમાં પહેલી ૪૦ મિનિટ બધું બરાબર ચાલ્યું, છેલ્લી ૧૦ મિનિટમાં વાત વણસી : માફીની માગણી ન ગણકારી ઝેલેન્સ્કીએ

વાઇસ-પ્રેસિડન્ટ જે.ડી. વૅન્સ સાથે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કીની ચણભણ થઈ એ પછી ડોનલ્ડ ટ્રમ્પ પણ તેમના પર બરાબરના અકળાયા હતા. ટ્રમ્પે ત્યાર બાદ ઝેલેન્સ્કીને વાઇટ હાઉસમાંથી નીકળી જવાનું કહ્યું એને પગલે યુક્રેનના પ્રેસિડન્ટ બહાર જતા દેખાયા હતા.

અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર મીડિયા સામે  વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં બે દેશોના નેતા લડી પડ્યા હતા અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે તીખી લડાઈ જોવા મળી હતી.

શુક્રવારે અમેરિકા આવેલા ઝેલેન્સ્કી પહેલાં તો અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની જોરદાર તારીફ કરતા નજરે પડ્યા હતા, પણ ઓવલ ઑફિસમાં જે થયું એ દુનિયા માટે એકદમ નવું અને આઘાતજનક હતું. પહેલી ૪૦ મિનિટની વાતચીત બરાબર રહી, પણ વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે એક વાત કરી અને બેઠકનો સૂર બદલાઈ ગયો અને છેલ્લી ૧૦ મિનિટ દુનિયા માટે તમાશો થયો હતો.

ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથે બગાડીને પોતાના માટે આફત નોતરી છે. આ લડાઈ એટલી વધી ગઈ કે ટ્રમ્પે ઝેલેન્સ્કીને વાઇટ હાઉસમાંથી જવા માટે કહી દીધું. જતાં-જતાં ઝેલેન્સ્કી અમેરિકા-યુક્રેન વચ્ચે મહત્ત્વપૂર્ણ ખનીજ-સોદા પર હસ્તાક્ષર કર્યા વિના જતા રહ્યા હતા. અમેરિકાએ ત્યાર બાદ કહ્યું હતું કે ઝેલેન્સ્કીએ માફી માગવી જોઈએ, પણ યુક્રેનના પ્રેસિડન્ટે માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. યુરોપના ઘણા દેશો અને યુક્રેનની જનતાએ બાબતે ઝેલેન્સ્કીને ટેકો આપ્યો હતો.

જે. ડી. વૅન્સે શું કહ્યું?

વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે રશિયા-યુક્રેન યુદ્ધના સમાધાન માટે કૂટનીતિ પર ભાર મૂક્યો અને વિવાદની શરૂઆત થઈ. એ સમયે ઝેલેન્સ્કીએ કહ્યું કે શું હું એક સવાલ પૂછી શકું, જેનો જવાબ વૅન્સે હકારમાં આપ્યો હતો. એ સમયે ઝેલેન્સ્કીએ કહ્યું કે ‘પુતિને યુક્રેનના મોટા હિસ્સા ક્રીમિયા પર કબજો કરી લીધો, ૨૦૧૪માં આ કબજો કરી લીધો, ઘણાં વર્ષો સુધી ઓબામા પ્રેસિડન્ટ હતા, પછી ટ્રમ્પ, પછી જો બાઇડન અને ફરી ટ્રમ્પ પ્રેસિડન્ટ છે. ૨૦૧૪માં પુતિનને કોઈએ રોક્યા કેમ નહીં? મેં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા પણ પુતિને એ તોડી નાખ્યો અને અમારા લોકોને મારી નાખ્યા, કેદીઓની અદલાબદલી કરી નહીં. તમે કેવી કૂટનીતિની વાત કરો છો? તમારો મતલબ શું છે?’

વૅન્સે એનો જવાબ આપતાં કહ્યું કે હું એ કૂટનીતિની વાત કરું છું જે આપના દેશને સમાપ્ત કરવા તરફ લઈ જઈ રહી છે. આ મુદ્દે ઝેલેન્સ્કી બોલવા જાય એ પહેલાં વૅન્સે તેમને રોક્યા અને કહ્યું કે મને લાગે છે કે ઓવલ ઑફિસમાં આવવું અને અહીં આ વાત કરવી અપમાનજનક છે; તમને બચાવવા અમેરિકા કોશિશ કરે છે, તમારે પ્રેસિડન્ટને ધન્યવાદ આપવા જોઈએ.

ટ્રમ્પે રોકી દીધા

આ બે નેતાઓ વચ્ચે ચણભણ ચાલુ હતી ત્યારે ટ્રમ્પ એમાં કૂદી પડ્યા હતા અને ઝેલેન્સ્કી સામે આંગળી ઉઠાવીને કહ્યું કે તમે બરાબર સ્થિતિમાં નથી, તમારે રશિયા સાથે સમાધાન કરવું પડશે; તમારે અમારા આભારી હોવું જોઈએ, અમને ડિક્ટેટ કરવાની કોશિશ ન કરો.

ઝેલેન્સ્કીની વાતથી ભડક્યા

આ વખતે ઝેલેનસ્કીએ કહ્યું કે તમારી પાસે સમાધાન છે, જોવામાં તમામ સમુદ્ર સારા છે, પણ યુક્રેન જેવી હાલત નથી. આપ હમણાં મહેસૂસ નહીં કરો, પણ ભવિષ્યમાં કરશો. આ મુદ્દે ટ્રમ્પ ભડકી ગયા હતા અને કહ્યું કે અમે એક સમસ્યાના સમાધાનની કોશિશ કરી રહ્યા છીએ અને આ અમને ડિક્ટેટ કરવાની કોશિશ ના કરે કે અમે શું મહેસૂસ કરવા જવાના છીએ. તમે લાખો લોકોના જીવન સાથે રમી રહ્યા છો, તમે ત્રીજા વિશ્વયુદ્ધને આમં​િત્રત કરવાની કોશિશમાં છો.

ઝેલેન્સ્કીએ વૅન્સને કહ્યું કે તમે ઊંચા અવાજમા બોલી રહ્યા છો ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમનો અવાજ ઊંચો નથી. તમારો દેશ મુશ્કેલીમાં છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને બોલવાનો પણ મોકો આપ્યો નહોતો અને કહ્યું હતું કે તમે આ યુદ્ધ જીતી શકવાના નથી. અમે તમને ૩૫૦ બિલ્યન ડૉલર આપ્યા છે. જો તમારી પાસે હથિયાર ન હોત તો યુદ્ધ એક દિવસ પણ ચાલત નહીં.

દુનિયાના લોકોને જોવા દો
આ તમાશો ઓવલ ઑફિસમાં થઈ રહ્યો હતો ત્યારે ટ્રમ્પે કહ્યું કે ‘આ ઘણું સારું છે, અમેરિકાના લોકો આ ઘટના જોઈ રહ્યા છે. તમારે અમને ધન્યવાદ આપવા જોઈએ. જો તમે યુદ્ધવિરામ માટે તૈયાર થતા તો હું ગૅરન્ટી આપું છું કે એક પણ ગોળી નહીં ચાલે, તમારા લોકો મરવાના બંધ થશે. જો તમે અમારી સાથે રહેશો તો વાતચીતની સ્થિતિ રહેશે.’ 

united states of america donald trump ukraine russia white house international news news world news