16 May, 2025 11:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ઍપલના CEO ટિમ કુક સાથે વાત કરી છે અને તેમને ભારતમાં ઍપલનું ઉત્પાદન ન વધારવા કહ્યું છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કતરના દોહામાં એક કાર્યક્રમમાં ટિમ કુકને કહ્યું હતું કે ‘તમે ભારતમાં પ્રોડક્ટનું ઉત્પાદન કરો એવું હું નથી ઇચ્છતો. તેઓ (ભારત) પોતાનું ધ્યાન રાખી શકે છે. તેઓ ખૂબ સારું કરી રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ટૅરિફ ધરાવતા દેશોમાંનો એક છે એટલે ભારતમાં વેચવું ખૂબ મુશ્કેલ છે.’
ટ્રમ્પે કહ્યું છે કે આ વાતચીત બાદ ઍપલ અમેરિકામાં એનું ઉત્પાદન વધારશે. જોકે તેમણે ચર્ચાના પરિણામ અથવા ભારતમાં ઍપલની યોજનાઓમાં કોઈ ફેરફાર વિશે વધુ વિગતો શૅર કરી નહોતી. ટ્રમ્પની આ ટિપ્પણી ભારતે અમેરિકા પર બદલો લેવા માટે ટૅરિફ લાદવાની ચેતવણી આપ્યાના થોડા દિવસો બાદ આવી છે. ભારત દ્વારા આ પ્રસ્તાવ અમેરિકા દ્વારા ભારતીય સ્ટીલ અને ઍલ્યુમિનિયમની નિકાસ પર ડ્યુટી વધારવાના જવાબમાં આપવામાં આવ્યો હતો.