02 August, 2025 01:59 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
F-35 જેટ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ભારતે અમેરિકા પાસેથી F-35 જેટની ખરીદી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાઇટ હાઉસની મુલાકાત વખતે ટ્રમ્પે ભારતને F-35 વિમાનો વેચવાની ઑફર કરી હતી. આ સંદર્ભમાં મળતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે અમેરિકાને કહ્યું છે કે એ F-35 જેટ ખરીદવા માટે ઉત્સુક નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર સંયુક્ત રીતે સંરક્ષણ-સાધનોના ઉત્પાદનમાં વધુ રસ ધરાવે છે.
અત્યારે ભારત દ્વિપક્ષીય વાતચીત ચાલુ રાખવા માગે છે અને ભારતના સૌથી મોટા ટ્રેડિંગ-પાર્ટનર અમેરિકા સાથે ખરીદી વધારવાના વિકલ્પો શોધે છે. ભારત અમેરિકા પાસેથી નૅચરલ ગૅસ, સોનું તથા કમ્યુનિકેશન ઉપકરણોની ખરીદીમાં વધારો કરવા ઇચ્છે છે, પણ ડિફેન્સ ઉપકરણો અમેરિકા પાસેથી ખરીદવા ઉત્સુક નથી.