10 March, 2026 10:32 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યા કર્યા પછી અમેરિકા-ઇઝરાયલે ખુલ્લી ધમકી આપી હતી કે જે કોઈ પણ નવો ખામેનેઈનો ઉત્તરાધિકારી બનશે તેને તેઓ ખતમ કરી નાખશે. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનનું નેતૃત્વ તેઓ પોતે પસંદ કરશે. જોકે ઈરાને અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને ઉત્તરાધિકારી ઘોષિત કરી દેતાં ‘તમારો લીડર ઝાઝું નહીં ટકે’ એવી ધમકી સાથે ટ્રમ્પે કહ્યું હતું કે ‘મોજતબા ખામેનેઈ મને અસ્વીકાર્ય છે. તે કમજોર પણ છે. તેમને પહેલાં આ પદ માટે પસંદ નહોતા કરવામાં આવ્યા, કેમ કે તેઓ અક્ષમ હતા. જો તેમને અમારી મંજૂરી નથી મળી તો તેમનો કાર્યકાળ બહુ લાંબો નહીં ટકે. હું એ સુનિશ્ચિત કરવા માગું છું કે દર ૧૦ વર્ષે અમારે પાછા ન આવવું પડે. હું નથી ઇચ્છતો કે લોકો પાંચ વર્ષ પાછળ જવાની ભૂલ કરે. એક મહાન અને મને સ્વીકાર્ય હોય એવા નેતાની પસંદગી પછી અમેરિકા ઈરાનને વિનાશના આરેથી પાછા લાવીને એને આર્થિક રીતે પહેલાં કરતાં પણ વધુ મોટું, બહેતર અને મજબૂત બનાવવા માટે કામ કરશે.’