H-1B અને L-1 વીઝાના રિન્યુઅલ પર પણ વધારે ફી લાદવાની ટ્રમ્પ સરકારની તૈયારી

05 August, 2026 02:37 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વીઝા-એક્સ્ટેન્શન ફીથી ભારતીય IT વ્યાવસાયિકો અને અમેરિકી ટેક કંપનીઓ પર ૩.૩૬ લાખ રૂપિયાથી વધુનો વધારાનો બોજ પડશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર H-1B અને L-1 વીઝાના રિન્યુઅલ (વીઝા-એક્સ્ટેન્શન) પર વધારાની ફી લાદવાની દિશામાં કામ કરી રહ્યું છે. અત્યાર સુધી આ 9-11 રિસ્પૉન્સ ઍન્ડ બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ ફી માત્ર નવા વીઝા અથવા એમ્પ્લૉયર બદલતી વખતે જ ચૂકવવી પડતી હતી, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ હવે જૂના કર્મચારીઓના વીઝા લંબાવતી વખતે પણ આ ફી વસૂલ કરવામાં આવશે.

અમેરિકી હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગના આ પ્રસ્તાવથી પ૦ કે એથી વધુ કર્મચારીઓ ધરાવતી અને પ૦ ટકાથી વધુ H-1B/L-1 સ્ટાફ રાખતી કંપનીઓ પર સીધી અસર પડશે. આવી કંપનીઓએ પ્રતિ H-1B રિન્યુઅલ માટે ૩.૩૬ લાખ રૂપિયા (૪૦૦૦ ડૉલર) અને L-1 રિન્યુઅલ માટે ૩.૭૮ લાખ રૂપિયા (૪૫૦૦ ડૉલર) વધારાના ચૂકવવા પડશે.

ભારતીયો અને મોટી ITની દિગ્ગજ કંપનીઓ પર સૌથી મોટી અસર

ભારતીયો પર મોટો બોજ : નાણાકીય વર્ષ ૨૦૨૫માં મંજૂર થયેલા ૨,૯૧,૫૪૨ H-1B વીઝા-એક્સ્ટેન્શનમાંથી ૨,૨૬,૩૫૯ (૭૭.૬ ટકા) ભારતીય વ્યાવસાયિકોના હતા.
IT ક્ષેત્રને ફટકો : અમેરિકામાં ઍમૅઝૉન (૧૪,૫૩૨ એક્સ્ટેન્શન), તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), માઇક્રોસૉફ્ટ, મેટા અને ગૂગલ જેવી અગ્રણી કંપનીઓ માટે કર્મચારીઓને જાળવી રાખવાનો ખર્ચ કરોડો રૂપિયા વધી જશે.

વાર્ષિક કમાણીનો દાવો : અમેરિકી સરકારના મતે આ નિર્ણયથી દેશની બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ માટે વાર્ષિક ૧૩૨૧.૩૨ કરોડ રૂપિયા (૧૫૭.૩ મિલ્યન ડૉલર)ની વધારાની આવક થશે.

international news world news donald trump united states of america