02 August, 2026 10:45 AM IST | China | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારત અને ચીને ગઈ કાલથી ઈસ્ટ સિક્કિમના નાથુ લા પાસ દ્વારા જૂના સિલ્ક રૂટ માર્ગે વેપાર ફરી શરૂ કર્યો છે. ભારત-ચીન યુદ્ધ પછી ૧૯૬૨માં આ પાસ બંધ કરવામાં આવ્યો હતો અને ૨૦૦૬માં વેપાર માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો, પરંતુ ૨૦૨૦માં કોવિડ-19 રોગચાળા અને સરહદી તનાવને કારણે બંધ કરવામાં આવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે નાથુ લા પાસનો માર્ગ ૨૦૦૦ વર્ષથી વધુ સમયથી સિલ્ક રૂટનો ભાગ રહ્યો છે.
હાલના કરાર હેઠળ ભારતને કૃષિઓજારો, પ્રોસેસ્ડ ફૂડ્સ અને મસાલાથી લઈને હૅન્ડલૂમ કાપડ, વસ્ત્રો, વાસણો અને પરંપરાગત ધાર્મિક વસ્તુઓ સહિત ૩૬ વસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રૂટ પર વેપાર સામાન્ય રીતે લગભગ ૬ મહિના સુધી ચાલે છે. વેપારીઓને સોમવારથી ગુરુવાર સુધી કામ કરવાની મંજૂરી છે, જેમાં દૈનિક વેપારમર્યાદા અને સરકાર દ્વારા માન્ય ચીજવસ્તુઓની સૂચિ છે. ૪૦૦ પરમિટની મર્યાદા હોવા છતાં અધિકારીઓએ અત્યાર સુધી મર્યાદિત સંખ્યામાં ટ્રેડિંગ પાસને મંજૂરી આપી છે.