11 December, 2025 10:20 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટૉક અને યુટ્યુબ સહિતના સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકનાર ઑસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ઑસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ ગઈ કાલથી અમલમાં આવ્યો હતો અને નવા કાયદા મુજબ ગઈ કાલથી બાળકો દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર અકાઉન્ટ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
નવા કાયદા મુજબ આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મે બાળકો માટે વય-ચકાસણીનાં પગલાં અમલમાં મૂકવા પડશે. જો તેઓ પાલન ન કરે તો ૩૩ મિલ્યન ડૉલર (આશરે ૨૯૬ કરોડ રૂપિયા) સુધીનો ગંભીર દંડ ભોગવવો પડશે.
જોકે પ્રતિબંધ લાગુ થયા પછી તરત જ ઑનલાઇન ભાવનાત્મક પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો હતો. કેટલાક ઑસ્ટ્રેલિયન ટીનેજરોએ તેમનાં અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકાતાં પહેલાં વિદાય-સંદેશાઓ, મીમ્સ અને ભાવનાત્મક નોંધો પોસ્ટ કર્યાં હોવાના અહેવાલ છે. ઘણા યુઝર્સ માને છે કે આ પ્રતિબંધને નિષ્ફળતા મળવાની છે, કારણ કે ટીનેજરોએ પ્રતિબંધથી બચવાના લૂપહોલ્સ શોધી લીધા છે.
વડા પ્રધાન પર ગુસ્સો ઠાલવ્યો
ઘણા લોકોએ વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એક જણે મંગળવારથી ૬૦૦૦ ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક ફૉલોઅર્સ ગુમાવ્યા છે. ઍલ્બનીઝના ટિકટૉક અકાઉન્ટ પર એક ટિપ્પણીકર્તાએ કહ્યું, ‘બસ, રાહ જુઓ જ્યાં સુધી આપણે મતદાન કરી શકીએ.’
સમર્થકો પણ ઘણા
ઘણાં ઑસ્ટ્રેલિયન માતા-પિતા અને બાળકલ્યાણ કાર્યકરોએ પ્રતિબંધ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું છે. મોટા ભાગના લોકો માને છે કે આ પ્રતિબંધો ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય અને ઑનલાઇન સલામતીમાં વધારો કરશે. જોકે દરેક જણ આ વાત પર સહમત નથી. મેન્ટલ હેલ્થ સેક્ટરના વ્યાવસાયિકો અને હિમાયતીઓ ચેતવણી આપે છે કે ટીનેજરોને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સોશ્યલ નેટવર્ક સાઇટ્સથી ડિસકનેક્ટ કરવાથી અણધાર્યાં પરિણામો આવી શકે છે, કારણ કે ઘણા યુવાનો આ પ્લૅટફૉર્મને ભાવનાત્મક ટેકો અને પોતાનાપણાના ભાવનાના સ્રોત તરીકે માને છે.