14 December, 2025 07:47 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવના ૩ સભ્યોએ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ભારત પરની ટૅરિફને પડકારી છે. ડેમોક્રૅટિક કૉન્ગ્રેસમેન ડેબરા રોસ (નૉર્થ કૅરોલિના), માર્ક વી. જી. (ટેક્સસ) અને ભારતીય મૂળના કૉન્ગ્રેસમૅન રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇ) દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા આ ઠરાવમાં ઑગસ્ટ ૨૦૨૫માં લાદવામાં આવેલી વધારાની ૨૫ ટકા ટૅરિફને રદ કરવાની માગણી કરવામાં આવી છે. અગાઉ લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટૅરિફ સાથે ઘણાં ભારતીય ઉત્પાદનો પર કુલ આયાતડ્યુટી ૫૦ ટકા સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે ‘ટૅરિફ ગેરકાયદે છે. એ અમેરિકન ગ્રાહકો અને વ્યવસાયોને અપ્રમાણસર રીતે નુકસાન પહોંચાડે છે અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે.’
આ પગલાને ટ્રમ્પની વેપારનીતિ સામે કૉન્ગ્રેસમાં વધતા અસંતોષના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ઠરાવમાં જણાવાયું છે કે ‘ઑગસ્ટ ૨૦૨૫માં લાદવામાં આવેલી વધારાની ૨૫ ટકા ટૅરિફને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. આ ટૅરિફ ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવી હતી. પ્રેસિડન્ટ ટ્રમ્પે આ કાયદાનો દુરુપયોગ કર્યો હતો અને કૉન્ગ્રેસની મંજૂરી વિના નિર્ણયો લીધા હતા જેનાથી અમેરિકન અર્થતંત્ર અને સામાન્ય નાગરિકો પર નકારાત્મક અસર પડી હતી.’