27 July, 2025 10:16 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નૅશ કીન
ગયા વર્ષે જુલાઈ મહિનામાં અમેરિકામાં માત્ર ૨૧ અઠવાડિયાંના ગર્ભધારણ પછી જન્મેલા નૅશ કીન નામના બાળકે સત્તાવાર રીતે વિશ્વના સૌથી પ્રીમૅચ્યોર બાળક હોવાનો રેકૉર્ડ નોંધાવ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ (GWR) અનુસાર નૅશ કીનનો જન્મ ૨૦૨૪ની પાંચમી જુલાઈએ અમેરિકાના આયોવા રાજ્યના આયોવા સિટીમાં થયો હતો. જન્મ સમયે તેનું વજન માત્ર ૧૦ ઔંસ (આશરે ૨૮૫ ગ્રામ) હતું અને તે ફક્ત ૨૪ સેન્ટિમીટર ઊંચો હતો. તેનો જન્મ તેની સંભવિત ડિલિવરી તારીખથી ૧૩૩ દિવસ અથવા લગભગ ૧૯ અઠવાડિયાં પહેલાં થયો હતો. આ મહિનાની શરૂઆતમાં નૅશ કીનનો પહેલો જન્મદિવસ ઊજવવામાં આવ્યો હતો. અગાઉનો વર્લ્ડ-રેકૉર્ડ ધરાવતી બેબીનો જન્મ ૨૦૨૦માં અલાબામામાં થયો હતો, પણ નૅશ કીને તેને માત્ર એક દિવસ પાછળ છોડી દીધો હતો.
નૅશ કીનને પ્રેમથી નૅશ પટેટો કહેવામાં આવે છે. આ વર્ષના જાન્યુઆરીમાં તેનાં માતા-પિતા મૉલી અને રેન્ડલ કીન સાથે તેને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી, પણ એ પહેલાં નૅશ કીને હૉસ્પિટલમાં છ મહિના વિતાવ્યા હતા.