01 February, 2026 08:26 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
જેફરી એપ્સટીન
જેફરી એપ્સટીન ફાઇલોના તાજેતરના ખજાનામાં ઉલ્લેખિત સૌથી મોટાં નામોમાં માઇક્રોસૉફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ, તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા અને ટેસ્લાના બૉસ ઈલૉન મસ્કનો સમાવેશ થાય છે. ઈલૉન મસ્કે ૨૦૧૩માં એપ્સટીન આઇલૅન્ડ પર આવવા વિશે પૂછપરછ કરી હતી.
આ ફાઇલોમાં જણાવવામાં આવ્યું છે કે બિલ ગેટ્સને રશિયન છોકરીઓ સાથે સૂવાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) રોગ થયો હતો. એક ઈ-મેઇલમાં સેક્સ-ગુનેગાર જેફરી એપ્સટીને દાવો કર્યો હતો કે ગેટ્સે તેને ઍન્ટિ-બાયોટિક્સ મેળવવા કહ્યું હતું જે તેઓ તેમની તત્કાલીન પત્ની મેલિન્ડાને ગુપ્ત રીતે આપી શકે. તેણે કહ્યું કે તેણે ગેટ્સના પરિણીત મહિલાઓ સાથે ગેરકાયદે સંબંધોને સરળ બનાવવામાં પણ મદદ કરી હતી.
દસ્તાવેજો દર્શાવે છે કે ૨૦૧૩માં ઈલૉન મસ્કે એપ્સટીનના કુખ્યાત ટાપુની મુલાકાત લેવા વિશે પૂછપરછ કરી હતી. ૨૦૧૩ની ૩૧ ડિસેમ્બરે દોષી સેક્સ-ટ્રાફિકરને મોકલવામાં આવેલી એક ઈ-મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર એક રિમાઇન્ડર - ઈલૉન મસ્ક બીજી જાન્યુઆરીએ તમારા ટાપુ પર આવવા વિશે પૂછી રહ્યા હતા.
નવી જ પ્રકાશિત થયેલી એપ્સીન ફાઇલોનો એક દસ્તાવેજ દર્શાવે છે કે ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટને વર્ષ ૨૦૦૦માં યૉટ પર એક પુરુષ પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. ઘટના સમયે ભારે નશામાં ધુત આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે જેફરી એપ્સટીન દ્વારા પણ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેણે ઉમેર્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ અને મેલૅનિયા પણ યૉટ પર હાજર હતાં.
જેફરી એપ્સટીનની તાજેતરની ફાઇલોમાં પ્રકાશિત થયેલા ઈ-મેઇલ પત્રવ્યવહાર અનુસાર એક કથિત પુરુષપીડિતે પોલીસને જણાવ્યું હતું કે જ્યૉર્જ બુશ 1 દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. જોકે એ સ્પષ્ટ નથી કે પીડિતે કયા ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બુશનો ઉલ્લેખ કર્યો હતો. કથિત પીડિતે એવો પણ દાવો કર્યો હતો કે તેણે યૉટ પર બાળકોનાં અંગ વિચ્છેદ થતાં જોયાં હતાં.
૩૦ જાન્યુઆરીએ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી જેફરી એપ્સટીન સંબંધિત ફાઇલોમાં નવાં નામોમાં ન્યુ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીની ફિલ્મમેકર મમ્મી મીરા નાયરનો પણ સમાવેશ થાય છે, જેણે ૨૦૦૯માં દોષી સેક્સ-ટ્રાફિકર ગિસ્લેન મૅક્સવેલ દ્વારા આયોજિત આફ્ટરપાર્ટીમાં હાજરી આપી હતી. નવા પ્રકાશિત દસ્તાવેજો અનુસાર મીરા નાયરે ૨૦૦૯ની ફિલ્મ ‘અમેલિયા’ના પ્રીમિયર પછી મૅક્સવેલના નિવાસસ્થાને આફ્ટરપાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન, ઍમૅઝૉનના સ્થાપક જેફ બેઝોસ અને હૉલીવુડની અનેક હસ્તીઓ સહિત નોંધપાત્ર મહેમાનોએ હાજરી આપી હતી.