15 December, 2025 08:47 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અનુતિન ચાર્નવિરાકુલ
થાઇલૅન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે થાઇલૅન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરારમાં મધ્યસ્થી કરવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના દાવાને ફરીથી નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ કદાચ ગેરસમજ છે, ટ્રમ્પે ખોટો દાવો કર્યો હતો કે અમે ગોળીબાર બંધ કરવા સંમત થયા હતા.
ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત ૮ યુદ્ધ રોકાવ્યાં છે અને આ માટે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છે. તાજેતરમાં થાઇલૅન્ડ અને કમ્બોડિયા બન્નેએ એકબીજા પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ટ્રમ્પે આ બન્ને દેશો વચ્ચે શાંતિકરારમાં મધ્યસ્થી કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ સિદ્ધિને વિશ્વ સમક્ષ રજૂ કરીને એને તેમની સૌથી મોટી રાજદ્વારી જીત ગણાવી હતી. કરાર પર હસ્તાક્ષર થયા પછી તરત જ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અનેક પોસ્ટ કરી હતી. તેમનું કહેવું હતું કે ફક્ત હું જ આ કરી શકું છું, અન્ય કોઈ નેતા કે પ્રશાસનમાં દાયકાઓ જૂના આ સંઘર્ષને ઉકેલવાની ક્ષમતા નથી.