29 June, 2023 10:12 AM IST | Stockholm | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
સ્વીડિશ પોલીસે આખરે સ્ટૉકહોમમાં એક મસ્જિદની બહાર ખૂબ જ નાના પાયે વિરોધ-પ્રદર્શન કરવા માટે મંજૂરી આપવી પડી હતી. આ પ્રદર્શનના આયોજકોએ ‘કુરાનને ફાડીને સળગાવવાની’ જાહેરાત કરી હતી. આ પ્રયાસથી નાટોમાં જોડાવાના સ્વીડનના પ્રયાસોને આંચકો લાગી શકે છે.
સ્વીડનમાં ઇસ્લામ અને કુર્દીશોના અધિકારોની વિરુદ્ધ અનેક વિરોધ-પ્રદર્શન થઈ ગયાં છે, જેના લીધે ટર્કીની સાથે એના સંબંધોમાં તનાવની સ્થિતિ છે. જોકે નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)માં એન્ટ્રી મેળવવા માટે સ્વીડનને ટર્કીના સપોર્ટની જરૂર છે.
સ્વીડિશ પોલીસે આ પહેલાં કુરાન વિરોધી-પ્રદર્શન માટેની અરજીઓને તાજેતરમાં ફગાવી દીધી હતી. જોકે દેશની અદાલતોએ આ નિર્ણયોને ઊથલાવ્યા હતા. અદાલતોએ આ નિર્ણયોને વ્યક્તિઓની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ ગણાવ્યો હતો. સ્ટૉકહોમ પોલીસ અનુસાર લેટેસ્ટ કુરાન વિરોધી-પ્રદર્શનનું આયોજન સલવાન મોમિકા નામની એક વ્યક્તિએ કર્યું હતું. સલમાને પોતાની જાતને ઇરાકી રેફ્યુજી ગણાવ્યો હતો.