17 November, 2025 10:42 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
દુર્ઘટનાની તસવીર
પાકિસ્તાનના હૈદરાબાદમાં શનિવારે ફટાકડાની એક ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસ વિશે અધિકારીઓએ જણાવ્યું હતું કે લતીફાબાદ પોલીસ-સ્ટેશનની હદમાં લઘારી ગોથ નદીના કિનારે ફટાકડાની એક ફૅક્ટરીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેને પગલે ફૅક્ટરીમાં આગ લાગી હતી.
વિસ્ફોટનો અવાજ માઇલો દૂર સુધી સંભળાયો હતો. ફટાકડા એક ઘરમાં ગેરકાયદે રીતે બનાવવામાં આવી રહ્યા હતા, જેમાં લાઇસન્સ નહોતું. પ્રારંભિક તારણો દર્શાવે છે કે ફૅક્ટરીના માલિક અસદ ઝાઈને ખરેખર કોઈ અન્ય જગ્યાએ લાઇસન્સ મળ્યું હતું, પરંતુ તે હાલના સ્થળે ફટાકડા બનાવી રહ્યો હતો. ફૅક્ટરીને માલિક ફરાર છે અને ફૅક્ટરીના લાઇસન્સની વિગતો ચકાસવામાં આવી રહી છે.